(તુષાર ભાદુરી) ફૂટબોલ અને ફોર્મ્યુલા- 1 જેવી અન્ય સ્પોર્ટ્સમાં જંગી મૂડીરોકાણ કર્યા બાદ સાઉદી અરેબિયાની નજર હવે ક્રિકેટ પર છે. સાઉદી અરેબિયાની કંપની અરામકો પહેલાથી જ IPL 2023ની સ્પોન્સર છે, પરંતુ હવે સાઉદીએ વિશ્વની સૌથી મોટી T20 લીગ બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેનાથી IPLની લોકપ્રિયતા પર સંકટના વાદળો ધેરાઇ રહ્યા છે.
સાઉદી અરબની સૌથી ધનિક T20 લીગ બનાવવાની યોજના
સાઉદી સરકાર દેશમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે T20 લીગ સ્થાવાની યોજના પર કામગીરી કરી રહી છે અને તેના માટે બીસીસીઆઈના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. અહેવાલ છે કે સાઉદી અરેબિયાએ IPL ફ્રેન્ચાઇઝીઓને તેમના દેશમાં વિશ્વની સૌથી ધનિક T20 લીગ શરૂ કરવાની ઓફર કરી છે. જો કે આને લઇને ફ્રેન્ચાઇઝીઓનું વલણ હજુ સ્પષ્ટ થયુ નથી, પરંતુ બીસીસીઆઇએ આ પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરી છે કે તે તેના ખેલાડીઓને સાઉદી અરેબિયાની ટી-20 લીગમાં રમવાની મંજૂરી આપશે નહીં.

દુનિયાની સૌથી મોટી T20 લીગ છે IPL
તમને જણાવી દઈએ કે BCCIને ડર છે કે સાઉદી અરેબિયાની T20 લીગમાં રમવાથી IPLની બ્રાન્ડ વેલ્યુ પર અસર પડશે. હાલમાં IPL એ વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. પૈસાની બાબતમાં હોય, વર્લ્ડ ક્લાસ ખેલાડીઓની ભાગીદારી હોય કે પછી સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ હોય, IPL વિશ્વભરની અન્ય T20 લીગની સરખામણીમાં સૌથી મોટી બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. સાઉદીના આ પગલાંથી BCCIનું ટેન્શન વધી ગયું છે. જોકે, બોર્ડે તેના ખેલાડીઓને ત્યાં જઈને રમવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
આ T20 લીગમાં છે IPLની ફ્રેન્ચાઇઝી
તમને જણાવી દઈએ કે IPLની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પહેલાથી જ સંયુક્ત અરબ અમિરાત, સાઉથ આફ્રિકા, અમરિકા અને કેરેબિયન ટી20 લીગ જેવી વિદેશી લીગમાં છે.પરંતુ બી.સી.સી.આઈ. પોતાના ખેલાડીઓને સાઉદી અરેબિયા મોકલવા માટે બિલકુલ તૈયાર નથી, કારણ કે સાઉદી સૌથી ધનિક T20 લીગ શરૂ કરવા માંગે છે, જેનાથી IPLની બ્રાન્ડ વેલ્યુ પર અસર પડશે. મળતી માહિતી મુજબ, BCCI ખેલાડીઓને મોકલવા તૈયાર નહીં થાય, ભલે તે ફ્રેન્ચાઇઝીઓને ત્યાં પૈસા રોકાણ કરવાની મંજૂરી આપે, પરંતુ ખેલાડીઓ ત્યાં રમવા જશે નહીં.