IPL BCCI Indian Cricketers : આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ભારતીય ખેલાડીઓ દ્વારા ટેસ્ટ ક્રિકેટ મેચને નજર અંદાજ કરવાના વલણને જોઇ ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક મોટું પગલું લેવાની તૈયારી કરી રહ્યું છે. બીસીસીઆઈ હવે ટેસ્ટ મેચની ફી વધારવા પર વિચાર કરી રહી છે. આ ક્રિકેટના લાંબા ફોર્મેટને અવગણવું મુશ્કેલ હશે. જાણવા મળી રહ્યું છે કે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઈશાન કિશનના ડોમેસ્ટિક ક્રિકેટને નજર અંદાજ કરવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટીમ મેનેજમેન્ટ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો ન હતો. તેના બદલે આવતા મહિને શરૂ થનારી IPLની તૈયારી કરવાનો વિકલ્પ પસંદ કર્યો. આ ઘટનાને ધ્યાનમાં રાખી બોર્ડે પગાર માળખું નવસેરથી તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. તે અનુસાર ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપનાર ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ ઉપરાંત વધારાના લાભ મળશે.

નવા પગાર માળખામાં શું હશે?
ઇન્ડિયન એક્સપ્રેસને નવા પગાર માળખા વિશે જણાવતા બીસીસીઆઈ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું. “ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કૅલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે છે તો તેને વાર્ષિક રિટેનર કોન્ટ્રાક્ટ ઉપરાંત વધારાના લાભો આપવામાં આવશે. વધુને વધુ ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટ માટે આગળ આવે તેની ખાતરી કરવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આ એક વધારાનો ફાયદો હશે.
આ પણ વાંચો | આઈપીએલ 2024નો કાર્યક્રમ જાહેર, 22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ, અમદાવાદમાં 24 માર્ચે પ્રથમ મેચ
ક્યારે નવું પગાર માળખું લાગુ થશે?
જો મહેનતાણુંનું નવું મોડલ મંજૂર થઈ જશે તો તેને આ આઈપીએલ સિઝન પછી લાગુ કરવામાં આવશે. BCCI વધારાના બોનસ પર કામ કરી રહ્યું છે કે જો કોઈ ખેલાડી એક સિઝનમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે તો તેને બોનસ મળી શકે છે. હાલમાં બીસીસીઆઈ ટેસ્ટ મેચ દીઠ રૂ. 15 લાખ, વનડે દીઠ રૂ. 6 લાખ અને ટી-20 આંતરરાષ્ટ્રીય માટે રૂ. 3 લાખ ફી તરીકે ચૂકવે છે.





