IPL 2025 Auction : આઈપીએલ 2025ની હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં અબાદી અલ-જૌહર એરેનામાં થશે. આઇપીએલ 2025ની હરાજી માટે કુલ 574 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમની હરાજી થશે. આ હરાજીમાં સૌથી વધારે નજર પંજાબ કિંગ્સ પર રહેશે. કારણ કે તેણે તો લગભગ આખી ટીમ બનાવવી પડશે.
પંજાબ કિંગ્સે ફક્ત બે ખેલાડીઓને રિટેન કર્યા
પંજાબ કિંગ્સે (પીબીકેએસ) ફક્ત બે ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં શશાંક સિંહ (5.5 કરોડ રૂપિયા) અને પ્રભસિમરન સિંહ (4 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. એટલે કે તેને આ વખતે આખી ટીમ બનાવવી પડશે. પંજાબ કિંગ્સ આઈપીએલ હરાજીમાં સૌથી વધારે પૈસા લઇને ઉતરશે. ફ્રેન્ચાઇઝી પાસે 110.5 કરોડ રૂપિયાનું પર્સ છે.
દરેક ટીમમાં વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ હોઈ શકે છે. એટલે કે 10 ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 250 ખેલાડીઓને ખરીદી શકે છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીએ કુલ મળીને 46 ખેલાડીઓને રિટેન કરી દીધા છે. આનો અર્થ એ છે કે મહત્તમ 204 સ્લોટ ખાલી છે.
પંજાબ કિંગ્સ પાસે છે ઘણા ઓપ્શન
પંજાબ કિંગ્સ પાસે હાલ જોવા જઇએ તો કેપ્ટન જ નથી. તેણે હરાજીમાં એક કેપ્ટનનો રોલ નિભાવી શકે તેવો ખેલાડી પણ ખરીદવો પડશે. આ માટે તે ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયરની ખરીદી શકે છે. તે ખેલાડી તરીકે પણ શાનદાર છે અને કેપ્ટનશિપ કરવાનો અનુભવ પણ છે. ઐયરે ગત સિઝનમાં કેકેઆરને ચેમ્પિયન બનાવી હતી.
જોકે પંત કે રાહુલને ખરીદે તો એક જ ખેલાડીમાં કેપ્ટન અને વિકેટકીપર પણ આવી જાય છે. વધારે અનુભવી અને વિદેશી કેપ્ટનની પસંદગી કરવી હોય તો તેની પાસે કેન વિલિયમ્સન, ડેવિડ વોર્નર અને ફાફ ડુ પ્લેસિસનો વિકલ્પ છે. તે ડેવિડ વોર્નર ઉપર પણ દાવ લગાવી શકે છે.
આ પણ વાંચો – આઈપીએલ હરાજી 2025 : ગુજરાત ટાઇટન્સ આવી બનાવી શકે છે ટીમ
મિડલ ઓર્ડરમાં કેન વિલિયમ્સન, ગ્લેન મેક્સવેલ, ફ્રેશર મેકગર્ક, ઇશાન કિશનને ખરીદી શકે છે. ઓલરાઉન્ડર તરીકે માર્કસ સ્ટોઇનિસ, ક્રુણાલ પંડ્યા, સેમ કરનેને ખરીદી શકે છે. સ્પિનરમાં ટીમ પાસે ઘણા ઓપ્શન છે. યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, વેંકટેશ ઐયર જેવા ઘણા વિકલ્પો છે. વિદેશી સ્પિનરોમાં આદિલ રશિદ, મોઇન અલી જેવા ઓપ્શન છે.
ફાસ્ટ બોલર તરીકે મિચેલ સ્ટાર્ક, અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જોશ હેઝલવુડ, ટ્રેન્ટ બોલ્ટ જેવા ઘણા ઓપ્શન છે. ટીમ પાસે રુપિયા પણ વધારે હોવાથી મોંઘી કિંમતે પણ ખરીદી શકે છે.
તો પંજાબ કિંગ્સની ટીમ આવી બનશે
- ઓપનર – ડેવિડ વોર્નર (સંભવિત)
 - ઓપનર (વિકેટકિપર) – પ્રભસિમરન સિંહ (રિટેન)
 - મિડલ ઓર્ડર – ઇશાન કિશન (સંભવિત)
 - મિડલ ઓર્ડર – શ્રેયસ ઐયર (સંભવિત કેપ્ટન)
 - મિડલ ઓર્ડર – શશાંક સિંહ (રિટેન)
 - ઓલરાઉન્ડર – મિચેલ માર્શ (સંભવિત)
 - ઓલરાઉન્ડર – માર્કસ સ્ટોઇનિસ (સંભવિત)
 - ઓલરાઉન્ડર- ભુવનેશ્વર કુમાર(સંભવિત)
 - સ્પિનર – યુજવેન્દ્ર ચહલ(સંભવિત)
 - ફાસ્ટ બોલર – મિચેલ સ્ટાર્ક (સંભવિત)
 - ફાસ્ટ બોલર – હર્ષલ પટેલ (સંભવિત)
 





