Ireland vs Zimbabwe : બેલફાસ્ટમાં આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના ચોથા દિવસે મેદાન પર એક અજીબ ઘટના જોવા મળી હતી. આ મેચમાં આયર્લેન્ડની બેટિંગ દરમિયાન બેટ્સમેનોએ 5 રન દોડીને લઇ લીધા હતા. આવી ઘટના ક્રિકેટ ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. રવિવારે મેચના ચોથા દિવસે આયર્લેન્ડના બેટ્સમેન એન્ડી મેકબ્રાઈન અને લોર્કન ટકરે 5 રન લેવાની આ સિદ્ધિ મેળવી હતી.
પાંચ રન કેવી રીતે શક્ય બન્યા?
ઝિમ્બાબ્વે તરફથી ઈનિંગ્સની 18મી ઓવરમાં આવેલા રિચાર્ડ નગરવાના બોલ પર એન્ડી મેકબ્રાઇને એક્સ્ટ્રા કવર તરફ શોટ ખેલ્યો હતો. ત્યારે તેંદાઈ ચતારાએ બાઉન્ડ્રી લાઈન તરફ જતા બોલને રોકવા માટે લાંબી દોડ લગાવી અને તેણે બાઉન્ડ્રીને એકદમ નજીક જઈને બોલ રોકી દીધો હતો. બોલને રોકવાના પ્રયાસ દરમિયાન ચતારાનું સંતુલન બગડ્યું હતું અને તે હોર્ડિંગ્સ કુદીને મેદાન બહાર ચાલ્યો ગયો હતો. આ દરમિયાન મેકબ્રાઇન અને ટકર દોડીને પાંચ રન પૂરા કરી લીધા હતા.
આયર્લેન્ડનો 4 વિકેટે વિજય
મેચની વાત કરીએ તો 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમે ચોથા દિવસે 5 વિકેટના નુકસાન પર 33 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટકર અને મેકબ્રાઇને ઈનિંગ સંભાળી હતી. બંનેની અડધી સદીને કારણે આયર્લેન્ડે ટેસ્ટ મેચ 4 વિકેટે જીતી લીધી હતી.
આ પણ વાંચો – બીજી ટી-20 મેચમાં ભારતનો વિજય, શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી
158 રનનો ટાર્ગેટ મળ્યો હતો
આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ઝિમ્બાબ્વે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 210 રન જ બનાવી શકી હતી. જવાબમાં આયર્લેન્ડે 250 રન ફટકારીને પ્રથમ ઈનિંગ્સમાં લીડ મેળવી હતી. બીજી ઈનિંગ્સમાં ઝિમ્બાબ્વે માત્ર 197 રન જ બનાવી શક્યું હતું અને પ્રથમ ઈનિંગમાં 40 રનની લીડને કારણે આયર્લેન્ડને 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આયર્લેન્ડે 6 વિકેટ ગુમાવીને આ ટેસ્ટ જીતી લીધી હતી.