Isha Ambani joins FIVB Board of Administration : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રી ઇશા અંબાણીનો ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન (FIVB) ના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇશા અંબાણી સિવાય લુઇસ બાવડેનની પણ નિમણુક કરી છે. 2024-2028ના ઓલિમ્પિક સમયગાળા માટે નિમણુક કરી છે.
ઇશા અંબાણી અને બાવડેન બંનેની નિમણૂક FIVB ના બંધારણની કલમ 2.4.1.5 હેઠળ કરવામાં આવી છે, આ કલમ FIVB પ્રમુખને વિવિધ શ્રેણીઓમાં ચાર વધારાના બોર્ડ મેમ્બર્સની પસંદગી કરવાની મંજૂરી આપે છે. આ નિમણૂંકો ફેડરેશનના પરિપ્રેક્ષ્યના વિશાળ કદને સુનિશ્ચિત કરે છે અને બોર્ડના વૈવિધ્ય તથા સમાવેશકતાને વધુ ગાઢ બનાવે છે.
ઈશા અંબાણી FIVB બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા નિયુક્ત સભ્ય તરીકે જોડાયા છે. ઇશા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ લીડરશિપનો હિસ્સો છે અને રિલાયન્સ રિટેલ સહિત અનેક ગ્રૂપ કંપનીઓ અને અન્ય કંપનીઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અહીં તેમણે કંપનીના વ્યાપક વિકાસનું નેતૃત્વ કર્યું છે, મુખ્યત્વે ડિજિટલ અને ઈ-કોમર્સ પહેલને આગળ ધપાવી છે.
આ પણ વાંચો – સચિનની પુત્રી સારા તેંડુલકરે ક્રિકેટ ટીમ ખરીદી, કહ્યું – આ મારા પ્રેમ માટે છે
આ ઉપરાંત અંબાણી કંપનીના વૈવિધ્યપૂર્ણ અને સમાવેશક કાર્યક્રમનું નેતૃત્વ કરે છે, આ કાર્યક્રમો કાર્યસ્થળ પર મહિલાઓને સશક્ત બનાવતી પહેલોને સમર્થન આપે છે. તેમનો નવીન દૃષ્ટિકોણ, સમાવેશક અને નવીનતા સભર બાબતો પર મજબૂતીથી ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વ્યવસાયિક નેતૃત્વનું મિશ્રણ કરવાની કુશળતા FIVB બોર્ડ માટે એક મૂલ્યવાન તત્વ બની રહેશે.
દરમિયાન ત્રણ વખતના ઓલિમ્પિયન અને એફ.આઇ.વી.બી. એથ્લેટ્સ કમિશનના પ્રેસિડેન્ટ લુઇસ બાવડેનને તેમના સાથી કમિશન સભ્યો દ્વારા એફ.આઇ.વી.બી. બોર્ડમાં જોડાવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ઇન્ડોર અને બીચ વોલીબોલ બંનેમાં ઓલિમ્પિયન એવા બાવડેન 2021થી એથ્લેટ્સ કમિશનમાં સેવાઓ આપી રહ્યા છે અને 2024માં ચાર વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રમતવીરોના અવાજોને સમર્થન આપવાની તેમની ઊંડી પ્રતિબદ્ધતા તેમના રમતગમતના સર્વોચ્ચ અનુભવો સાથે બોર્ડને અમૂલ્ય સમજ આપે છે.