Jasprit Bumrah Injury Update : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કમરના દુખાવાને કારણે ઘરઆંગણે રમાનારી ઈંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણીની મોટાભાગની મેચોમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તેની નજર તારીખ 19મી ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર ટકેલી છે. તાજેતરમાં જ પુરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 32 વિકેટ સાથે ભારતનો શ્રેષ્ઠ ખેલાડી રહેલો બુમરાહ પીઠના દુખાવાને કારણે શ્રેણીની આખરી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો.
બુમરાહે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં 150થી વધુ ઓવર ફેંકી હતી
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 30 વર્ષીય બુમરાહે શ્રેણીમાં 150થી વધુ ઓવર નાખી હતી. આ ઈજાનો સીધો સંબંધ શ્રેણીમાં તેના વધુ પડતા વર્કલોડ સાથે છે અને બીસીસીઆઇની મેડિકલ ટીમ એ સુનિશ્ચિત કરશે કે તે આઇસીસી ટૂર્નામેન્ટ્સ માટે તૈયાર રહે. આ બાબતથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, બુમરાહની ઈજા કેટલી ગંભીર છે તેની હજુ સુધી જાણ થઇ નથી. જો તેને ગ્રેડ-3ની ટિયર ઈજા થશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે.
બુમરાહને પરત ફરતા બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે
ભારત ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે મેચ રમી કરશે. જો જસપ્રીત બુમરાહની ઈજા ગ્રેડ-1ના ટિયરની હશે તો મેદાન પર પાછા ફરતા પહેલા ઓછામાં ઓછા બેથી ત્રણ સપ્તાહનું રિહેબ હશે. ગ્રેડ 2 ની ઇજાના કિસ્સામાં રિકવરીમાંછ અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો – હું જલ્દી નિવૃત્ત થવાનો નથી, ભારતની પ્લેઇંગ 11 માંથી બહાર થયા પછી રોહિત શર્માનું પ્રથમ નિવેદન
ગ્રેડ 3 ટીયરની ઇજામાં ત્રણ મહિનાનો આરામ
જો બુમરાહની ઈજા ગ્રેડ-3ની હશે તો ઓછામાં ઓછા ત્રણ મહિનાના આરામ અને રિહેબની જરુર પડશે. આ સ્થિતિમાં ભારતીય ફાસ્ટ બોલર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. એ પહેલાથી નક્કી છે કે બુમરાહ ટી 20 શ્રેણી રમશે નહીં. કારણ કે આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો નથી. પણ ચેમ્પિયન્સ ટ્રોફી નજીક હોવાથી તે ઇંગ્લેન્ડ સામે બે કે ત્રણ વન ડે ચોક્કસ રમશે કારણ કે તે 50 ઓવરના ફોર્મેટમાં છે.