Jasprit Bumrah : ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની ઈન્સ્ટા સ્ટોરી દ્વારા સનસની મચાવી દીધી છે. તેની આ સ્ટોરી બાદ સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. બુમરાહે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ દ્વારા લખ્યું છે – ક્યારેક-ક્યારેક મૌન રહેવું એ પણ સારો જવાબ છે. બૂમ-બૂમની આ સ્ટોરીએ ચાહકોને મૂંઝવણમાં મુકી દીધા છે કે આ સ્ટોરી કોના માટે છે અથવા તે કોનાથી નારાજ છે.
શું બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ છોડશે?
જસપ્રીત બુમરાહની આ ઈન્સ્ટા સ્ટોરીએ અટકળોનું બજાર ગરમ કરી દીધું છે અને સૌથી વધુ ચર્ચાતી વાત એ છે કે બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીથી નારાજ છે અને હવે તે ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. આ અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે બુમરાહે ઈન્સ્ટા અને ટ્વિટર પરથી મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે. સાથે તેણે એમએસ ધોનીને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.
હાર્દિકના આવવાથી બુમરાહનું કેપ્ટનશિપથી પત્તુ કપાયું!
અહેવાલો અનુસાર જસપ્રીત બુમરાહ IPLની આગામી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે, પરંતુ હાર્દિક પંડ્યાની વાપસીથી હવે આ થવું મુશ્કેલ થઈ ગયું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિતની જગ્યાએ હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે. મુંબઈ ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને ગુજરાત ટાઇટન્સ સાથે 15 કરોડ રૂપિયામાં ટ્રેડ કર્યો છે. જે દિવસે તમામ ફ્રેન્ચાઈઝીઓએ તેમના રીલીઝ કરાયેલા અને રિટેઇન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી તે દિવસે હાર્દિક ગુજરાત ટાઈટન્સમાં હતો, પરંતુ તેના થોડા કલાકો બાદ તે જ દિવસે મુંબઈએ હાર્દિકને ટ્રેડ કરી લીધો હતો.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સમાંથી કેમ જવા દીધો? ગુજરાત ટાઇટન્સે જણાવ્યું કારણ
બુમરાહ 2013થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે
વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ જસપ્રીત બુમરાહ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે. બુમરાહે વર્લ્ડ કપમાં 20 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. તેણે 2013માં તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી બુમરાહ દરેક સિઝનમાં સતત રમી રહ્યો છે પરંતુ 2023માં તે પીઠની ઈજાને કારણે આખી આઈપીએલ રમ્યો ન હતો. પરંતુ તે પછી પણ મુંબઈ ઈન્ડિયન્સે તેને જાળવી રાખ્યો હતો.
હાર્દિક પંડ્યાની વાપસી પર મુંબઈનું નિવેદન
હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી પર નીતા અંબાણીએ કહ્યું કે અમે હાર્દિકની ઘર વાપસી પર સ્વાગત કરતા રોમાંચિત છીએ! આ અમારા મુંબઇ ઇન્ડિયન્સ પરિવાર સાથે હાર્દિકનું પુન:જોડાણ છે! મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડી બનવાથી લઈને હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર બનવા સુધી હાર્દિકે લાંબી સફર કાપી છે. અમે તેના અને મુંબઈ ઈન્ડિયન્સ સાથેના ભવિષ્યને લઈને ઉત્સાહિત છીએ.





