Jasprit Bumrah : ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. બુમરાહ હાલના દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં છે અને પોતાની લય પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે બુમરાહ ઓગસ્ટમાં આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીથી મેદાન પર પરત ફરી શકે છે. ન્યૂઝ 18ના રિપોર્ટ પ્રમાણે જસપ્રીત બુમરાહ ઓગસ્ટના મધ્યમાં આયરલેન્ડ સામે રમાનારી ત્રણ ટી-20 મેચોની શ્રેણી માટે ટીમમાં વાપસી કરી શકે છે. તેના પાછા ફરવાની સંભાવના વધારે છે કારણ કે એનસીએમાં તેની રિકવરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે.
સપ્ટેમ્બર 2022માં રમ્યો હતો અંતિમ મેચ
રિપોર્ટ પ્રમાણે એક અધિકારીએ કહ્યું છે કે બુમરાહ આ વર્ષે ઓગસ્ટમાં રમાનારી આયરલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ઘણો લયમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર છે કે બુમરાહ આ શ્રેણીથી વાપસી કરી શકે છે. બુમરાહ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ ફિટનેસ મેળવી રહ્યો છે અને ઓગસ્ટમાં તે મેદાન પર ઉતરે તેવી શક્યતા છે. જસપ્રીત બુમરાહ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ લીક! જાણો ક્યારે રમાશે ભારતની મેચો
બુમરાહ આ મોટી ટૂર્નામેન્ટ્સ ચૂકી ગયો
જસપ્રીત બુમરાહ કમરની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાંથી અધવચ્ચેથી બહાર થઈ ગયો હતો. જે પછી તે એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમી શક્યો ન હતો. આ પછી તે આઇપીએલ પણ ચૂકી ગયો હતો. બુમરાહે આ વર્ષે માર્ચમાં પીઠની સર્જરી કરાવી હતી અને હવે તેણે રિહેબ માટે એનસીએમાં લાંબો સમય વિતાવ્યો છે. બુમરાહ એનસીએમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ છે. બુમરાહ પોતે આયરલેન્ડ ટી-20 શ્રેણીમાં પુનરાગમન કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.
જસપ્રીતની વાપસી પર કામ કરી રહ્યા છે આ દિગ્ગજો
બુમરાહનું પુનરાગમન ભારતીય ટીમ માટે ઓગસ્ટના અંતમાં યોજાનારા એશિયા કપ અને ઓક્ટોબરમાં યોજાનારા વર્લ્ડ કપના કારણે ખુબ જ મહત્વનું છે. જસપ્રીત બુમરાહ એનસીએમાં વીવીએસ લક્ષ્મણ અને નીતિન પટેલની દેખરેખ હેઠળ છે. નીતિન પટેલ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ફિઝિયો તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. લક્ષ્મણ અને નીતિન પટેલ ઉપરાંત એસ રજનીકાંત પણ બુમરાહની વાપસી પર ધ્યાન આપી રહ્યા છે. એસ રજનીકાંત દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ હતા. એસ રજનીકાંત અગાઉ શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાને ગંભીર ઈજાઓમાંથી સાજા થવામાં મદદ કરી ચૂક્યા છે.





