જસપ્રિત બુમરાહ 327 દિવસ પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો છે. પીઠની ઇજાને લીધે અસંખ્ય કલાક સર્જનના ટેબલ પર વીતાવ્યા, પુનવર્સન સેન્ટર અને નેટ્સ પ્રેક્ટિસ બાદ જસપ્રિત બુમરાહ હવે શાંત અને હળવા મૂડમાં દેખાય છે. જાણે કે તે ક્યારેય ક્રિકેટથી દૂર રહ્યો ન હોય એ રીતે. આજે શુક્રવારે આયર્લેન્ડ સામેની ત્રણ ટી20 ઇન્ટરનેશનલ શ્રેણીની પ્રથમ મેચમાં તે ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી રહ્યો છે.
સર્જરી બાદ ક્રિકેટમાં પરત ફરી રહેલ જસપ્રિત બમુરાહ કહે છે કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે બધુ સમાપ્ત થઇ ગયું છે. આ મારો અંધકારનો સમય હતો. આ સમય દરમિયાન કોઇ નકારાત્મક વિચારને બદલે હું એવું જ વિચારતો હતો કે, મારી આ સમસ્યાને કેવી રીતે હલ કરવી અને કેવી રીતે ઝડપથી ક્રિકેટમાં પરત ફરવું.
જસપ્રિત બુમરાહ વધુમાં કહે છે કે, ઇજાની ચિંતા કરવાને બદલે હું મારી સારવાર અને ફિટનેસ પર વધુ ધ્યાન આપતો હતો. કેવી રીતે ઝડપથી સ્વસ્થ અને ફિટ થઇ શકાય એ જ મારી પ્રાથમિકતા હતી. જ્યારે તમે ઇજાગ્રસ્ત થાય ત્યારે કેટલેક અંશે નિરાશા વ્યાપી જાય છે. પરંતુ આત્મશંકા રાખવાને બદલે હું વિચારતો રહ્યો કે, હું કેવી રીતે ઝડપથી સ્વસ્થ થઇ શકું અને કેવી રીતે ટીમ ઇન્ડિયાનો ભાગ બનું.
સમયનું સન્માન કરવું જરૂરી છે – જસપ્રિત બુમરાહ
બી પોઝિટીવ પર ભાર મુકતાં જસપ્રીત બુમરાહ કહે છે કે, રમતથી દૂર થતાં દુ:ખ થવું સ્વાભાવિક છે. પરંતુ આ સમયે નકારાત્મક થવાને બદલે બી પોઝિટીવ રહેવાથી સારી અસર જોવા મળે છે. ઇજાને લીધે હું ઘણી મેચ ચૂકી ગયો પરંતુ આ સમય દરમિયાન નિરાશ થવાને બદલે હું પોઝિટીવ વિચારતો રહ્યો. શરીરને સાજા થવા માટે સમયની જરૂર હોય ત્યારે એનું સન્માન કરવું જોઇએ. આ સમય દરમિયાન મને પરિવાર સાથે વિતાવવા માટે ઘણો સમય મળ્યો.
જસપ્રિત બુમરાહ – પુનરાગમન માટે ઉતાવળ નહીં
પુનરાગમન કરવા ઉતાવળ કરવી યોગ્ય નથી એવું કહેતાં જસપ્રિત બુમરાહ જણાવે છે કે, ફાસ્ટ બોલરો માટે ઇજામાંથી બહાર આવવા ઉતાવળ કરવી યોગ્ય નથી. ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર એવું તાજુ ઉદાહરણ છે. જોફ્રા આર્ચર ઇજામાંથી પૂર્ણ રીતે મુક્ત થયા પહેલા ઉતાવળે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જોડાયો અને આઈપીએલમાં ફરી ઇજાગ્રસ્ત થયો. જેને લીધે વર્લ્ડ કપ માં પણ કદાચ તે રમી નહીં શકે.





