Jasprit Bumrah ICC Men Test Cricketer of the Year 2024 : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે વર્ષ 2024માં શાનદાર રહ્યું હતું. તેણે માત્ર હોમગ્રાઉન્ડ પર જ નહીં પરંતુ વિદેશની ધરતી ઉપર પણ દરેક પરિસ્થિતિમાં ભારત માટે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. બુમરાહને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને આઇસીસીએ તેને વર્ષ 2024ના મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કર્યો છે. બુમરાહ ભારત તરફથી આ ટાઇટલ જીતનાર છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. બુમરાહ પહેલા આ એવોર્ડ રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, આર અશ્વિન અને વિરાટ કોહલી જીતી ચુક્યા છે.
બુમરાહ આઈસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર બન્યો
આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કર્યા હતા, જેમાં બુમરાહની સાથે સાથે ઈંગ્લેન્ડનો જો રુટ અને હેરી બ્રુક તેમજ શ્રીલંકાનો કામિન્દુ મેન્ડિસ પણ સામેલ હતો. જોકે બુમરાહે ત્રણેયને પછાડી આ એવોર્ડ જીત્યો છે.
બુમરાહે શાનદાર બોલિંગ કરી
જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો અને ત્યારબાદ તે વર્ષ 2023માં ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં મેદાનમાં પાછો ફર્યો હતો. આ પછી તેણે પાછળ ફરીને જોયું નથી અને જોરદાર રીતે વિકેટો ઝડપી હતી તેમજ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. વર્ષ 2024માં બુમરાહે પોતાની ધરતી પર ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી, જ્યારે આ વર્ષે તેણે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ સારી બોલિંગ કરી હતી.
આ પણ વાંચો – મોહમ્મદ સિરાજ શું આશા ભોંસલેની પૌત્રી જનાઇને ડેટ કરી રહ્યો છે? બન્ને વચ્ચે છે 7 વર્ષનું અંતર
વર્ષ 2024 માં સૌથી વધુ વિકેટ ઝડપી
બુમરાહ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર રહ્યો હતો અને તે કુલ 71 બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. આ યાદીમાં બીજા સ્થાને રહેલા ઇંગ્લેન્ડના ગુસ એટકિન્સન (52 વિકેટ)થી ઘણો આગળ હતો. વર્ષ 2024માં બુમરાહે 357 ઓવર ફેંકી હતી અને તેનો ઇકોનોમી રેટ માત્ર 2.96 રહ્યો હતો, જે ખૂબ પ્રભાવશાળી છે. વર્ષ 2024માં બુમરાહે 4 વખત ચાર વિકેટ ઝડપી છે જ્યારે 5 વખત પાંચ વિકેટ ઝડપી હતી અને તેની શ્રેષ્ઠ બોલિંગ 45 રનમાં 6 વિકેટ હતી.
બુમરાહને ચાલુ વર્ષે આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટ ટીમ ઓફ 2024માં પણ સામેલ કરવામાં આવ્યો હતો, જેની કેપ્ટન્સી પેટ કમિન્સે સંભાળી હતી. આ ટેસ્ટ ટીમમાં બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.