બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહેલા અંશુમાન ગાયકવાડની મદદ કરશે BCCI, એક કરોડ રૂપિયા આપશે

Anshuman Gaekwad : આર્થિક સહાય ઉપરાંત જય શાહે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે ગાયકવાડના પરિવારનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો

Written by Ashish Goyal
Updated : July 14, 2024 15:27 IST
બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહેલા અંશુમાન ગાયકવાડની મદદ કરશે BCCI, એક કરોડ રૂપિયા આપશે
71 વર્ષીય ગાયકવાડ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે (File)

Anshuman Gaekwad Cancer Treatment : બ્લડ કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડની મદદ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ આગળ આવ્યું છે. લંડનમાં તેમની સારવાર ચાલી રહી છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે બોર્ડને નિર્દેશ આપ્યો છે કે તેઓ ભૂતપૂર્વ ક્રિકેટરને આર્થિક સહાય પૂરી પાડવા માટે તત્કાળ રુપિયા 1 કરોડની રકમ રિલીઝ કરે.

આર્થિક સહાય ઉપરાંત જય શાહે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે ગાયકવાડના પરિવારનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલે આ માહિતી આપી હતી. બીસીસીઆઈએ ખાતરી આપી છે કે તે ગાયકવાડની સારવાર દરમિયાન તેમની રિકવરી પર નજીકથી નજર રાખશે. આ પડકારજનક સમયમાંથી બહાર આવવાની તેમની ક્ષમતા વિશે આશાવાદી છીએ.

કપિલ દેવે ગાયકવાડને આર્થિક મદદ કરવા અપીલ કરી હતી

ક્રિકેટ બોર્ડે આ મુશ્કેલ સમયમાં પૂર્વ ખેલાડી અને તેના પરિવારને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે પણ બીસીસીઆઇને વિનંતી કરી હતી કે તેઓ તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી ગાયકવાડને આર્થિક સહાય આપે. 71 વર્ષીય ગાયકવાડ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ભૂતપૂર્વ ક્રિકેટરોનું જૂથ મદદ માટે આગળ આવ્યું

ભારતને 1983ના વર્લ્ડ કપમાં વિજય અપાવનારા કપિલ દેવે કહ્યું કે ગાયકવાડના તબીબી ખર્ચ માટે નાણાં એકઠા કરવા માટે ભૂતપૂર્વ ક્રિકેટરોનું એક જૂથ સામે આવ્યું છે. આ ગ્રુપમાં મોહિન્દર અમરનાથ, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટિલ, દિલીપ વેંગસરકર, મદન લાલ અને રવિ શાસ્ત્રી જેવા નોંધપાત્ર નામો સામેલ છે. આ ભૂતપૂર્વ ખેલાડીઓ તેમના સાથી ક્રિકેટરને તેમની જરૂરિયાતના સમયે મદદ કરવા માટે ભંડોળ ઉભું કરવાના પ્રયત્નોમાં સક્રિયપણે સામેલ થયા છે.

આ પણ વાંચો – ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, ટી-20 અને વન-ડે સિરીઝની સંપૂર્ણ જાણકારી

અંશુમાન ગાયકવાડની કારકિર્દી

ભારતના ટી 20 વર્લ્ડ કપ વિજય બાદ ‘મિડ-ડે’માં સંદીપ પાટીલની કોલમમાંથી સૌથી પહેલા અંશુમાન ગાયકવાડને કેન્સર હોવાની માહિતી સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે મદદ માટે બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલારનો સંપર્ક કર્યો હતો. અંશુમાન ગાયકવાડે 1974 થી 1985 દરમિયાન 40 ટેસ્ટની 70 ઈનિંગ્સમાં 30.07ની સરેરાશથી 1985 રન ફટકાર્યા હતા. જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. 15 વન ડેની 14 ઇનિંગ્સમાં તેમણે 20.69ની એવરેજથી 269 રન નોંધાવ્યા હતા. તેમાં એક અડધી સદી ફટકારી હતી.

અંશુમાન ગાયકવાડની કોચિંગ કારકિર્દી

અંશુમાન ગાયકવાડ બે વખત ભારતીય ટીમના કોચ રહી ચૂક્યા છે. કોચ તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ 1997 થી 1999 સુધીનો હતો. આ પછી મેચ ફિક્સિંગની ઘટના સામે આવ્યા પછી કપિલ દેવના રાજીનામા બાદ તેમણે થોડા સમય માટે જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન ટીમે ઇન્ડિપેન્ડન્સ કપ જીત્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. આઈસીસી નોકઆઉટ (ચેમ્પિયન્સ ટ્રોફી)ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ