Jay Shah ACC: જય શાહ ફરી એકવાર એસીસી અધ્યક્ષ બન્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે ચૂંટાયા છે. બુધવારે બાલીમાં યોજાયેલી એસીસીની વાર્ષિક સામાન્ય સભામાં એમના કાર્યકાળને વધુ એક વર્ષ માટે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. 31 જાન્યુઆરી 2024ને બુધવારે જારી કરેલા એક નિવેદનમાં એસીસીએ કહ્યું હતું કે જય શાહના વિસ્તરણનો પ્રસ્તાવ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના પ્રમુખ શમ્મી સિલ્વાએ આપ્યો હતો.
જય શાહ એક્સટેન્શન સાથે રેકોર્ડ બનાવ્યો
જય શાહના નામાંકનને એસીસીના તમામ સભ્યોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. જય શાહ પહેલી વાર જાન્યુઆરી 2021 માં એસીસીના અધ્યક્ષ બન્યા હતા. તેમણે આ જવાબદારી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન પાસેથી સંભાળી હતી. કાર્યકાળમાં આ વિસ્તરણ બાદ જય શાહે પણ એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ એસીસીના અધ્યક્ષના રુપમાં ફરીથી નિયુક્ત થનારા સૌથી નાની વયના વહીવટકર્તા બન્યા છે.
આ પણ વાંચો – 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના ભારતના સપનાને ઉડાન આપવા માટે અમદાવાદની 6,000 કરોડ રૂપિયાની યોજના
જય શાહે ફરીથી નિયુક્તિ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો
જય શાહ એસીસીના ચેરમેન તરીકે સતત બીજીવાર એક્સટેન્શન મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ વિસ્તરણ બાદ જય શાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હું એસીસી બોર્ડનો આભારી છું કે તેમણે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. હું મારા આગામી કાર્યકાળમાં પણ આ જ બાબતો પર કામ કરવાનું ચાલુ રાખીશ. મારો પ્રયાસ રહેશે કે રમતની સાથે એસીસીના મેમ્બર બોર્ડ સાથે પણ યોગ્ય તાલમેલ જળવાઈ રહે.
જય શાહે શાનદાર કામ કર્યું છે: શ્રીલંકા ક્રિકેટ
જય શાહના નામનો પ્રસ્તાવ મુકતી વખતે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા શમ્મી સિલ્વાએ કહ્યું હતું કે જય શાહ સમગ્ર એશિયામાં ક્રિકેટ માટે શાનદાર કામ કરી રહ્યા છે. તેમણે ક્રિકેટને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ તરફ કામ કર્યું છે. જય શાહના નેતૃત્વમાં બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન જેવી ક્રિકેટની મહાસત્તાઓ નવી પ્રતિભાઓને બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.





