mohammad shami : ભારતીય ખેલાડીઓ 22 માર્ચથી શરુ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં ભાગ લેવા જઈ રહ્યા છે. આઇપીએલ 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આગામી આઈપીએલમાં ભાગ નહીં લઈ શકે. વન-ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની એડીની સફળ સર્જરી કરવામાં આવી છે અને તેનું રિહેબ ચાલી રહ્યું છે.
શમી જૂનમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં
શમી ઠીક થવાની સાથે સાથે મેદાન પર વાપસી કરવામાં સમય લાગશે અને તે પહેલાથી જ આઇપીએલ 2024માંથી બહાર થઇ ગયો હતો. પરંતુ તે પછી તે કેટલા સમય પર મેદાનમાં વાપસી કરશે આ અંગે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું છે. પીટીઆઈ સાથે વાત કરતા જય શાહે કહ્યું કે શમી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે. તેનો અર્થ એ થયો કે તે જૂનમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.
આ પણ વાંચો – કોણ છે પ્રતીક ઉતેકર, જેની સાથે ક્રિકેટર ચહલની પત્ની ધનશ્રીની તસવીર થઇ રહી છે વાયરલ
પંતને ટૂંક સમયમાં ફિટનેસ ક્લિયરન્સ મળશે
ઋષભ પંત વિશે વાત કરતા જય શાહે કહ્યું કે તે અત્યારે સારી બેટિંગ કરી રહ્યો છે અને કીપિંગમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને અમે તેને જલ્દી જ ફિટ જાહેર કરીશું. જો પંત ટી-20 વર્લ્ડ કપ 2024માં અમારા માટે રમશે તો તે મોટી બાબત બની રહેશે અને તે અમારા માટે એસેટ છે. જો તે કીપિંગ કરે છે તો વર્લ્ડ કપમાં રમી શકે છે, પણ આઇપીએલમાં તે કેવું પ્રદર્શન કરે છે તે અમારે જોવું પડશે.
શમી સપ્ટેમ્બરમાં ફરી શકે છે મેદાનમાં વાપસી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ભારતમાં યોજાનારી આ ટેસ્ટ શ્રેણી સપ્ટેમ્બરમાં રમાશે. જય શાહનું કહેવું છે કે શમી આ ટેસ્ટ શ્રેણી દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે. એટલે કે પ્રશંસકોને તેમની વાપસી માટે લાંબો સમય રાહ જોવી પડશે. શમી હાલમાં આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે અને તે આ સિઝનમાં આ ટીમ તરફથી રમતો જોવા મળશે નહીં. આ સિઝનમાંથી તેનું બહાર થવું ટીમ માટે મોટો ફટકો છે કારણ કે શમીએ વર્ષ 2022 અને 2023 માં આ ટીમ માટે આઈપીએલમાં સારી બોલિંગ કરી હતી.





