Jay Shah : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે મુંબઈમાં એક વાતચીત દરમિયાન ઇમ્પેક્ટ પ્લેયર અને આગામી સિઝનમાં રણજી ટ્રોફીના સમય વિશે અપડેટ આપી હતી. જય શાહે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બીસીસીઆઈ તેની બેઠક દરમિયાન તમામ હોદ્દેદારો સાથે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે ચર્ચા કરવા જઈ રહી છે. આ બેઠક વેસ્ટ ઈન્ડીઝમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ 2024ની સમાપ્તિ બાદ થશે.
એવું પણ જાણવા મળ્યું હતું કે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ, નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા વીવીએસ લક્ષ્મણ, સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના જનરલ મેનેજર (ક્રિકેટ ઓપરેશન્સ) અભય કુરુવિલાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલાક ફેરફારો કરવાની ભલામણ કરી છે. જેને બીસીસીઆઇ અમલમાં મૂકવા જઈ રહી છે.
આઇપીએલની આ સિઝન દરમિયાન ઇમ્પેક્ટ પ્લેયર નિયમને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઓલરાઉન્ડર્સની ભૂમિકા ઓછી કરી દેવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેનારા શિવમ દુબે જેવા ખેલાડીઓને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી બોલિંગ કરવાની તક મળી ન હતી કારણ કે તેમની આઇપીએલ ફ્રેન્ચાઈઝીએ તેનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી રહી છે.
ઇમ્પેક્ટ પ્લેયર નિયમ કાયમી નથી – જય શાહ
જય શાહના મતે આઇપીએલની આ સિઝન દરમિયાન આ નિયમનો ટેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે કાયમી નિયમ ન હતો. બીસીસીઆઇ તમામ સ્ટેકહોલ્ડર્સની સલાહ લીધા બાદ આગામી સિઝન માટે નિર્ણય લેવા માટે તૈયાર છે.
જય શાહે કહ્યું કે ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ (આ આઈપીએલમાં) એક ટેસ્ટિંગ તરીકે કરવામાં આવ્યો હતો. ભારતના બે ખેલાડીઓને તક મળી શકે તે માટે આમ કરવામાં આવ્યું હતું. તે કાયમી નથી. અમે ભારતીય ટીમના કેપ્ટન, ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીઓ, કોચની સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ આ અંગે નિર્ણય લઈશું. વર્લ્ડ કપ 2024 ખતમ થયા બાદ આ બેઠક થઈ શકે છે.
આ પણ વાંચો – કોણ છે મેદાન પર કેએલ રાહુલ પર ગુસ્સે થનાર સંજીવ ગોએન્કા? ધોની સાથે પણ કરી ચૂક્યા છે ખરાબ વ્યવહાર
રણજી ટ્રોફીના સમય અંગે ફેરફાર કરવાની ચાલી રહી છે વિચારણ
આ બીસીસીઆઇ ચોક્કસપણે શિયાળામાં રમાતી રણજી ટ્રોફીની મેચોના સમય અંગે ફેરવિચારણા કરવાનું વિચારી રહ્યું છે. શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી મેચો કોઈ પરિણામ વિના જ પુરી થઈ હતી. જય શાહે કહ્યું કે અમને ઘરેલું ક્રિકેટ માટે સૂચનો મળ્યા છે અને અમે તેનો અમલ કરીશું. ઉદાહરણ તરીકે, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં, હવામાનને ધ્યાનમાં લેવાની જરૂર છે.
ફ્રેન્ચાઈઝીઓ સાથેની બેઠકમાં રિટેન્શનના નિયમને આખરી ઓપ અપાશે
ક્રિકબઝના જણાવ્યા પ્રમાણે જય શાહે ખુલાસો કર્યો હતો કે ટૂંક સમયમાં ફ્રેન્ચાઈઝીઓ સાથે મિટિંગ યોજાશે. તેમાં રીટેન્શનના નિયમોને આખરી ઓપ આપવામાં આવશે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, મુંબઈમાં ચેમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટને ફરી શરુ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. તાજેતરમાં જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલા ક્રિકેટ વિક્ટોરિયાના એક અધિકારીએ ચેમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવાનો દાવો કર્યો હતો.
રાહુલ દ્રવિડ ફરીથી કોચ માટે અરજી કરી શકે છે – જય શાહ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ જાહેરાત કરી હતી કે ભારતીય બોર્ડ તેની પુરૂષ ટીમના મુખ્ય કોચ માટે ટૂંક સમયમાં અરજીઓ આમંત્રિત કરશે. ભારતીય ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થાય છે અને BCCI આગામી દિવસોમાં નવા કોચની શોધ શરૂ કરશે. શાહે કહ્યું કે વર્તમાન કોચ દ્રવિડ ઇચ્છે તો ફરી અરજી કરી શકે છે.
જય શાહે કહ્યું કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ સુધીનો છે, અમે મુખ્ય કોચના પદ માટે ટૂંક સમયમાં અરજીઓ આમંત્રિત કરીશું અને જો દ્રવિડ ફરીથી અરજી કરવા માંગે છે તો તે કરી શકે છે. અમે માપદંડ નક્કી કર્યા છે. ત્યારબાદ અમે ક્રિકેટ સલાહકાર સમિતિ સાથે પરામર્શ કરીને સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ આમંત્રિત કરીશું. કોચનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે.





