Kabaddi player shot dead in Ludhiana : પંજાબના લુધિયાણા જિલ્લાના જગરાંવમાં શુક્રવારે 25 વર્ષીય કબડ્ડી ખેલાડી તેજપાલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના એસએસપી કાર્યાલયની બાજુમાં જ બની હતી.
25 વર્ષીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા
તેજપાલ સિંહ મૂળ જગરાંવ નજીક ગિદ્દડવિંડી ગામનો રહેવાસી હતો અને તેની હત્યા હરિ સિંહ હોસ્પિટલ રોડ પર લુધિયાણા ગ્રામીણના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ની ઓફિસ નજીક કરવામાં આવી હતી. લુધિયાણા ગ્રામીણના એસએસપી અંકુર ગુપ્તાએ જણાવ્યું હતું કે સફેદ સ્વિફ્ટ કારમાં સવાર ત્રણ-ચાર હુમલાખોરોએ બપોરે લગભગ 3 વાગ્યે તેજપાલ સિંહ પર ગોળીબાર કર્યો હતો. તેજપાલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
શંકાસ્પદ લોકોની ઓળખ
એસએસપી અંકુર ગુપ્તાના જણાવ્યા અનુસાર આ હત્યા પાછળનું કારણ પરસ્પર દુશ્મનાવટ છે. આ ઘટનાને અંજામ આપનાર આરોપી અને પીડિત વચ્ચે પહેલા જ કેટલાક ઝઘડા થયા હતા, પરંતુ બંને પક્ષોમાંથી કોઈએ પોલીસને જાણ કરી ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે શંકાસ્પદ લોકોની ઓળખ જગરાંવના રૂમી ગામના હની અને કાલા તરીકે થઈ છે.
આ પણ વાંચો – જેમિમા રોડ્રિગ્ઝ : 13 વર્ષની ઉંમરે અંડર 19માં ડેબ્યૂ, ક્રિકેટ સિવાય હોકી, બાસ્કેટબોલ અને ફૂટબોલમાં પણ મહારથી
એસએસપીએ જણાવ્યું હતું કે ત્રીજા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મોગાના રહેવાસી ગગન તરીકે થઈ છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઇ નથી. અમે ઓળખાયેલા શંકાસ્પદોની ધરપકડ માટે ટીમો મોકલી છે. જગરાંવ શહેર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
હત્યામાં વપરાયેલી કાર અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ગુનાને લગતી અન્ય વિગતો માટે તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારોએ પહેલા તેજપાલને રોકવા માટે તેની કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.





