kapil dev slams indian cricketers : થોડા સમય પહેલા લેજન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું હતુ કે આજના ક્રિકેટરોને કોઈ પણ અનુભવી ખેલાડી પાસેથી સલાહ લેવાનું પસંદ નથી. બેટિંગ વિશે વાત કરવા માટે તેમની પાસે કોઈ આવતું નથી. વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે પણ ગાવસ્કરના આ નિવેદનનું સમર્થન કરતાં કહ્યું હતુ કે પૈસા આવવાથી ક્રિકેટરોમાં ઘમંડ પણ આવી ગયું છે.
કપિલ દેવે વર્તમાન ક્રિકેટરો પર સવાલ ઉઠાવ્યા
ધ વીક સાથે વાત કરતા કપિલ દેવે ભૂતકાળમાં થયેલા ફેરફારો વિશે વાત કરી હતી. કપિલ દેવે કહ્યું હતું કે ઘણું બધું બદલાઈ ગયું છે. આજના ખેલાડીઓની સારી વાત એ છે કે તેમનામાં ઘણો આત્મવિશ્વાસ છે. નકારાત્મક બાબત એ છે કે તેઓ માને છે કે તેઓ બધું જ જાણે છે. તેઓ પોતાનામાં વિશ્વાસ રાખે છે પરંતુ તેઓ વિચારે છે કે તેમને કોઈને કંઈપણ પૂછવાની જરૂર નથી.
પૈસાના કારણે ખેલાડીઓમાં આવ્યો ઘમંડ
કપિલ દેવે આ પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમના મતે પૈસા આવવાને કારણે ખેલાડીઓમાં ઘમંડ આવ્યો છે અને આ ઘમંડ તેમને કોઈની પાસેથી સલાહ લેતા રોકે છે. આ દિગ્ગજ ઓલરાઉન્ડરે કહ્યું કે કેટલીકવાર જ્યારે ઘણા પૈસા આવે છે, ત્યારે ઘમંડ પણ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. હું કહી શકું છું કે ઘણા ક્રિકેટરોને મદદની જરૂર હોય છે. જો ગાવસ્કર ત્યાં છે તો તમે તેની સાથે વાત કેમ નથી કરી શકતા? તેઓ ઘણું બધું જાણતા હશે પરંતુ 50 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા સુનિલ ગાવસ્કર જેવા ખેલાડી તમારો વિચાર બદલી શકે છે.
આ પણ વાંચો – જય શાહની જાહેરાત, અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાશે, સ્થળ નહીં
ગાવસ્કરે શું કહ્યું હતું
ગાવસ્કરે થોડા સમય પહેલા કહ્યું હતું કે વર્તમાન ક્રિકેટ ટીમમાં કોઇ ખેલાડી આજ સુધી તેમની પાસે બેટિંગને લઇને વાત કરવા આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ તેમની પાસેથી સતત સલાહ લેતા હતા પણ હવે આવું કોઇ કરતું નથી.





