Kavya Maran Latest News : કાવ્યા મારન ફરી એક વખત ચર્ચામાં છે. કાવ્યા મારન વધુ એક નવી ટીમની માલિક બની ગઇ છે. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ ઇંગ્લેન્ડની પ્રખ્યાત ક્રિકેટ લીગ હંડ્રેડ લીગની એક ટીમ નોર્ધન સુપરચાર્જર્સ ખરીદી છે. તેની કિંમત 10 અબજ 93 કરોડથી પણ વધારે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીના માલિક સન નેટવર્કના કલાનિધિ મારન છે. જ્યારે ફ્રેન્ચાઇઝીની સીઈઓ કાવ્યા મારન છે. સનરાઇઝર્સ ક્રિકેટના ક્ષેત્રમાં એક જૂનુ નામ છે. આઈપીએલ ઉપરાંત SA20 માં પણ એક ટીમ છે. જેનું નામ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ છે.
કોણ છે કાવ્યા મારન
કાવ્યા મારનનો જન્મ 1991માં ભારતના તામિલનાડુના ચેન્નાઈમાં થયો હતો. 2018માં તેને સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ નિયુક્ત કરવામાં આવી હતી. આઇપીએલ ફ્રેન્ચાઇઝી ઉપરાંત તે સન ગ્રુપના ઓવરસીઝ બિઝનેસની પણ દેખરેખ રાખે છે. કાવ્યાએ ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી છે. તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું છે.
ક્રિકેટ પ્રત્યે જબરજસ્ત પ્રેમ ધરાવતી કાવ્યા મારન આઇપીએલમાં સતત સનરાઇઝર્સ હૈદરાબાદનો સાથ આપતી જોવા મળી રહી છે. તે ટીમની મેચ દરમિયાન હંમેશા મેદાનમાં જોવા મળે છે. અહેવાલો અનુસાર એસઆરએચ માટે ટીમની વ્યૂહરચનામાં તેમનો મોટો ફાળો છે. તેને ટ્રાવેલિંગ અને મ્યુઝિકનો પણ શોખ છે.
આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગ 2025 : 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, એક ક્લિકમાં જાણો કઇ ટીમમાં છે કયા પ્લેયર
કાવ્યા મારન નેટ વર્થ
રિપોર્ટ્સ અનુસાર કાવ્યા મારનની નેટવર્થ 5 કરોડ ડોલર (લગભગ 400 કરોડ રૂપિયા) છે. તે ભારતની સૌથી ધનિક મહિલાઓમાંથી એક છે. તેના પિતા કલાનિધિ મારન એક મીડિયા મુગલ તરીકે ઓળખાય છે. તે સન ગ્રુપના સ્થાપક છે. કાવ્યાની માતા કાવેરી સોલાર ટીવી કમ્યુનિટી લિમિટેડના સીઈઓ છે.
દક્ષિણ આફ્રિકાની ટી 20 લીગ SA20 માં કાવ્યા મારનની ટીમનો જલવો
દક્ષિણ આફ્રિકાની ટી 20 લીગ SA20 માં કાવ્યા મારનની ટીમનો જલવો યથાવત્ છે. તેની ટીમ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ફાઇનલમાં 8 ફેબ્રુઆરીએ એમઆઈ કેપટાઉન સામે ટકરાશે. ક્વોલિફાયર્સ 2 માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે પર્લ રોયલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પર્લ્સ રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.





