Liverpool Footballer Diogo Jota Death News : લિવરપૂલ અને પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ડિયોગો જોટાનું ગુરુવારે ઉત્તરી સ્પેનમાં એક માર્ગ અકસ્માતમાં 28 વર્ષની વયે નિધન થયું છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેની લેમ્બોર્ગિની રસ્તા પર સ્લીપ ખાઇ ગઈ હતી. તેણે બે અઠવાડિયા પહેલા જ તેની બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. કારમાં પોર્ટુગલના ફોરવર્ડના સાથી ફૂટબોલર અને ભાઈ આન્દ્રે સિલ્વા પણ હતા. આ દુર્ઘટનામાં 26 વર્ષીય આંદ્રેનું પણ મોત નીપજ્યું છે. જોટા પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ તરફથી પણ રમી ચૂક્યો હતો. સિલ્વા લોઅર ડિવિઝનમાં પોર્ટુગીઝ કલબ પેનાફેલ તરફથી રમી ચૂક્યો હતો.
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ વલાડોલિડથી 70 માઇલ પશ્ચિમમાં એ-52 પર ઓવરટેક કરતી વખતે લેમ્બોર્ગિનીનું ટાયર ફાટ્યું હોવાનું માનવામાં આવે છે. કાર રોડ પરથી ઉતરીને પલટી ખાઇ ગઇ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. જોટાએ તાજેતરમાં જ પોતાના ત્રણ બાળકોની માતા રુટ કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા. પહેલા રિલેશનશિપમાં રહેતા હતા.
પોર્ટુગલની ફૂટબોલ ટીમે વ્યક્ત કર્યું દુઃખ
આ ઘટના જમોરા પ્રાંતમાં એ-52 પર થઇ હતી. સ્પેનનો આ રસ્તો ઉત્તર પોર્ટુગલમાંથી બહાર નીકળવાનો મુખ્ય માર્ગ છે. કેસ્ટિલા અને લીઓન ક્ષેત્રમાં કટોકટી સેવાઓએ અકસ્માત અને બે ના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોર્ટુગલની ફૂટબોલ ટીમે કહ્યું છે કે તેઓ લીવરપૂલના ફોરવર્ડ ખેલાડી ડિએગોના નિધનથી ‘અત્યંત દુઃખી’ છે. તેમણે કહ્યું હતું કે તે રાષ્ટ્રીય ટીમ માટે લગભગ 50 કેપ્સ સાથે એક અદભૂત ખેલાડી હોવાની સાથે-સાથે અસાધારણ વ્યક્તિ પણ હતો. તેનું સાથી અને વિરોધી ખેલાડીઓ સન્માન કરતા હતા.
આ પણ વાંચો – બર્મિંગહામમાં યશસ્વી જયસ્વાલ સદી ચુક્યો, પણ તોડી નાખ્યો 51 વર્ષ જૂનો રેકોર્ડ
પેડ્રો પ્રોએન્કાએ મૃત્યુની પુષ્ટિ કરી
પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કાએ મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન અને સમગ્ર પોર્ટુગીઝ ફૂટબોલ આજે સવારે સ્પેનમાં ડિઓગો જોટા અને આન્દ્રે સિલ્વાના મૃત્યથી પુરી રીતે સ્તબ્ધ છે. નેશનલ એ ટીમ તરફથી લગભગ 50 આંતરરાષ્ટ્રીય મેચો રમનારા ડિઓગો જોટા એક અદ્ભુત ખેલાડી હતો. તે એક એવો માણસ હતો જે હંમેશાં ખુશ રહેતો હતો અને સમુદાયમાં તેની એક અલગ ઓળખ હતી.





