cricketer Imran Patel died : પ્રોફેશનલ ક્રિકેટર ઇમરાન પટેલનું બુધવારે રાત્રે લીગ મેચ રમતી વખતે મોત થયું હતું. મહારાષ્ટ્રનો 35 વર્ષીય ઈમરાન એક લીગ મેચમાં ઓપનર તરીકે ઉતર્યો હતો. મેચ પુરી પણ ન થઈ અને ઈમરાને જીવ ગુમાવ્યો હતો. ઇમરાનના પરિવારને આ વાતથી ઊંડો આઘાત લાગ્યો છે.
ઇમરાન પટેલને રમતી વખતે દુખાવો થતો હતો
ઇમરાન પટેલ ટીમના કેપ્ટન હતા અને તેમણે બેટિંગ કરતા ઉપરાઉપરી બે ચોગ્ગા ફટકાર્યા હતા. કેટલીક ઓવરોની રમત બાદ તેણે અમ્પાયરને ફરિયાદ કરી હતી કે તેને ગળા અને હાથમાં દુઃખાવો થઈ રહ્યો છે. અમ્પાયર સાથે વાત કર્યા બાદ પટેલ પેવેલિયન તરફ ચાલવા લાગ્યા હતા. જોકે તે પેવેલિયન પહોંચે તે પહેલા જ નીચે પડી ગયો હતો. લોકોએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા. ઇમરાનને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.
ચાર મહિના પહેલા થયો હતો પુત્રીનો જન્મ
ઈમરાનના પરિવાર માટે આ એક મોટી દુર્ઘટના છે. તેમના પરિવારમાં તેમની માતા અને ત્રણ પુત્રીઓ છે. ઇમરાનની ત્રીજી પુત્રીનો જન્મ ચાર મહિના પહેલા થયો હતો. ઈમરાન પટેલના પાર્ટનર નસીર ખાને કહ્યું કે ખેલાડીએ મેચ પહેલા ક્યારેય આવી સમસ્યાનો સામનો કર્યો નથી. ઇમરાનની અગાઉની કોઈ મેડિકલ કંડીશન ન હતી. તે ફિટ હતો. તે એક ઓલરાઉન્ડર હતો જે ક્રિકેટને ખૂબ જ ચાહતો હતો. અમે બધા હજુ સુધી આઘાતમાં છીએ.
આ પણ વાંચો – ટી-20 ક્રિકેટમાં રચાયો અનોખો ઇતિહાસ, મણિપુર સામે દિલ્હીના બધા 11 ખેલાડીઓએ બોલિંગ કરી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટને પણ આંચકો લાગ્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટને પણ આવો જ આંચકો લાગ્યો હતો. 23 વર્ષીય આદિ ડેવનું મોત થયું છે. ડાર્વિન ક્રિકેટ ક્લબે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા ડેવના મોતની પુષ્ટિ કરી હતી. જોકે તેના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ડેવ પહેલી વખત 15 વર્ષની ઉંમરે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તે એક ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સાથે રમ્યો હતો. તે દરમિયાન તેને ફિલ્ડિંગ કરવાની તક મળી હતી.





