IPL 2025 : મહેન્દ્રસિંહ ધોની 2008થી આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યો છે. ધોનીની કેપ્ટનશિપમાં આ ટીમે 5 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું, પરંતુ આઈપીએલ 2024 પહેલા તેણે ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને આ જવાબદારી રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી હતી. સીએસકે 2024ની સિઝનમાં પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. જોકે ચર્ચા એ વાતની થઇ રહી છે કે ધોની આઈપીએલ 2025 માં રમશે કે નહીં.
એમએસ ધોનીએ આઈપીએલમાંથી નિવૃત્તિ મુદ્દે આપ્યું નિવેદન
2025 પહેલા મેગા હરાજીનું આયોજન થવાની આશા છે તો સીએસકે ધોનીને રિટેન કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એમએસ ધોનીએ પોતે જ પોતાની આઇપીએલ કારકિર્દી અંગે નિવેદન આપ્યું હતું. એમએસ ધોનીએ કહ્યું કે આપણે એ જોવું પડશે કે તેઓ (ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઇ) ખેલાડીઓને ટીમમાં રાખવા માટે શું નિર્ણય કરશે. હાલ બોલ અત્યારે અમારી કોર્ટમાં નથી, તેથી એક વખત નવા નિયમો સામે આવી ગયા પછી હું નિર્ણય લઈશ, પરંતુ મારો નિર્ણય એ જ હશે જે સીએસકે ટીમના શ્રેષ્ઠ હિતમાં હોય.
આ પણ વાંચો – ભારતની શ્રીલંકાને હરાવી ‘સદી’ પુરી કરવા પર નજર, વાંચો પીચ રિપોર્ટ, વેધર ડિટેલ્સ
43 વર્ષીય ધોનીને આઇપીએલમાંથી નિવૃત્તિ અંગે હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું હતુ કે આ માટે ઘણો સમય છે. અમારે એ જોવું પડશે કે બીસીસીઆઈ અને ફ્રેન્ચાઇઝીઓ રીટેન્શનના નિયમ અંગે શું નિર્ણય લે છે.
રિટેન કરવાના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે
તમને જણાવી દઈએ કે આઈપીએલમાં ખેલાડીઓને રિટેન કરવાના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે અને બોર્ડ અને ફ્રેન્ચાઇઝી વચ્ચે વાતચીત ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, રિટેન કરવામાં આવનાર ખેલાડીઓની સંખ્યામાં ફેરફાર કરી શકાય છે.
આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે બુધવારે સાંજે મુંબઈમાં ફ્રેન્ચાઈઝીના માલિકો અને ઓફિસિઅલ્સ સાથે મિટિંગ કરી હતી, જેમાં કેટલાક નિયમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મીટિંગના એજન્ડામાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ, કેટલા ખેલાડીઓને રિટેન કરવાના છે અને મેગા હરાજી (જે આગામી સિઝન અગાઉ યોજાવાની છે) જેવી વાત પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પહેલા ચાર ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ હતો, પરંતુ નવા નિયમમાં શું થશે તેની રાહ જોવી પડશે.





