MS Dhoni Seen in Mumbai Indians Jersey : મહેન્દ્રસિંહ ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ આઇપીએલમાં તે વર્ષ 2025 સુધી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સતત રમતો જોવા મળ્યો છે. આઈપીએલમાં તેની નિવૃત્તિની હંમેશા અટકળો ચાલી છે. પરંતુ આ વખતે તેને મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોઈને ચાહકો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે.
આ પછી ઘણા યુઝર્સ અલગ-અલગ અટકળો લગાવીને સોશિયલ મીડિયા પર ધોનીની લેટેસ્ટ તસવીર પોસ્ટ કરી રહ્યા છે, અલગ રીતે અનુમાન લગાવી રહ્યા છે. આથી સવાલ ઉઠી રહ્યા છે કે શું ધોની ચેન્નઈ સુપર કિંગ્સ છોડી રહ્યો છે. કેટલાક લોકોએ તો તેને મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ પણ બનાવી દીધો છે.
સોશિયલ મીડિયા પર હલચલ તેજ
ફૂટબોલ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની તેના મિત્રો સાથેની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સના નામ અને લોગો સાથેની સફેદ જર્સી પહેરી છે. તેને મુંબઈ ઈન્ડિયન્સની ટ્રેનિંગ કિટ પણ કહેવામાં આવી રહી છે. ધોનીને આઇપીએલની કટ્ટર હરિફ ટીમ મુંબઈની જર્સીમાં જોઈને સીએસકેના ચાહકો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને ચિંતિત થઈ ગયા છે.
ધોનીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. પરંતુ થાલા કયા નિર્ણયો લેવાના છે તેની જાણ માત્ર ધોનીને જ હોય છે. તે આઈપીએલમાં પણ આવું જ કરી શકે છે. જ્યારે પણ તે સીએસકે છોડશે અથવા આઇપીએલમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે તે અચાનક જાહેરાત કરશે.
શું મુંબઈ ઈન્ડિયન્સનો મેન્ટર બનશે?
મુંબઈ ઈન્ડિયન્સની આ જર્સી સાથે ધોનીની તસવીર જોઈને ચાહકો અલગ-અલગ પ્રકારની અટકળો કરી રહ્યા છે. જેમાંથી એક પોસ્ટ પણ સામે આવી છે જેમાં ચાહકે કહ્યું છે કે શું ધોની મુંબઈ ઈન્ડિયન્સનો મેન્ટર બનવાનો છે. ધોની હવે 44 વર્ષનો થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ છેલ્લા બે વર્ષથી સીએસકે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. પરંતુ ગત આઇપીએલમાં ઋતુરાજની ઈજા બાદ ધોની ફરી કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જો ધોની એક ખેલાડી તરીકે આઇપીએલમાંથી નિવૃત્તિ લે તો તે મેન્ટરની ભૂમિકા નિભાવી શકે છે. પરંતુ તે કઈ ટીમ સાથે આવું કરશે, તે ભવિષ્યમાં જ ખબર પડશે.
આ પણ વાંચો – જો રોહિત શર્મા કેપ્ટન નથી તો ટીમમાં કેમ છે? પૂર્વ પસંદગીકારે ઉઠાવ્યા સવાલ
ધોની 2008થી સતત 18 સિઝનથી આઈપીએલનો ભાગ છે
એમએસ ધોની 2008થી સતત 18 સિઝનથી આઈપીએલનો ભાગ છે. તેણે પોતાની કેપ્ટન્સી હેઠળ પાંચ વખત ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ધોનીની કેપ્ટન્સી હેઠળ સીએસકેએ 2010, 2011, 2018, 2021 અને 2023માં ટાઈટલ જીત્યું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ પાંચ વખત આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે. આવી સ્થિતિમાં આ વખતે ટીમો વચ્ચે છઠ્ઠા ટાઈટલની રેસ રહેશે છે.
મુંબઇની જર્સીમાં દરેકના ફેવરિટ માહીને જોવો ચાહકો માટે થોડું આશ્ચર્યજનક છે. પરંતુ તે સીએસકે છોડશે કે કોઇ અન્ય નિર્ણય લેશે તે આ વાયરલ તસવીરથી કંઇ સ્પષ્ટ થયું નથી. અમે પણ તેની પુષ્ટિ કરતા નથી. આ માત્ર ચાહકોની અટકળો છે જે વાયરલ પોસ્ટના આધારે કરવામાં આવી રહી છે.