Manoj Tiwary On Gautam Gambhir: ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ મોટો આરોપ મુક્યો છે. મનોજ તિવારીએ લલ્લનટોપ પર વાત કરતાં કહ્યું હતું કે મને કારણ વગર ઠપકો આપવામાં આવતો હતો. મને સમજાતું ન હતું કે તેઓ શા માટે મને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે હું 2010માં કેકેઆર (કોલકાતા નાઇટ રાઇડર્સ)માં આવ્યો હતો, ત્યારે તે અને હું સારી રીતે મળી ગયા હતા. પરંતુ પછી તે અચાનક મારા પર ગુસ્સે થઇ જતા હતા. તે ઘણા જ દુ:ખ લાગે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો. તેઓ માતા- બહેન વિશે અપશબ્દો કહેતા હતા.
ગંભીર અને મનોજ તિવારી વચ્ચે પહેલા પણ થયા છે વિવાદ
ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ ભારતીય ખેલાડી મનોજ તિવારી વચ્ચે આ પહેલા પણ ઘણી વખત વિવાદ થઇ ચૂક્યો છે. વર્ષ 2015માં દિલ્હી અને બંગાળ વચ્ચેની રણજી ટ્રોફી મેચ દરમિયાન બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. મનોજ તિવારીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. જ્યારે તે અને ગૌતમ ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતા, ત્યારે આવી ઘણી ઘટનાઓ બની હતી.
મનોજ તિવારીએ કહ્યું કે પછી જ્યારે મેં તેમના વિશે વિચારવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે કેકેઆરના તમામ સ્થાનિક છોકરાઓમાંથી હું એકલો જ એવો ખેલાડી હતો જે સાતત્યપૂર્ણ દેખાવ કરનારો હતો. હું એક આશાસ્પદ યુવાન હોવાથી મીડિયા મારું નામ આવી રહ્યું હતું. કદાચ તેથી જ મારા પ્રત્યે તેમની પ્રતિક્રિયા સારી ન હતી. મારું આવું માનવું છે.
આ પણ વાંચો – ગુજરાતના સિદ્ધાર્થ દેસાઇએ રચ્યો ઇતિહાસ, એક ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ
ટીમમાંથી બહાર કરવાની ધમકી આપતા હતા
મનોજ તિવારીએ કહ્યું કે 2015 ની રણજી ટ્રોફીમાં અમારી લડાઇ થઇ હતી. તે પહેલાં પણ મારા પર ગુસ્સે હતા. કેકેઆરમાં અમે ચર્ચા કરી હતી. કેકેઆરના બેટિંગ ઓર્ડરમાં મને સતત નીચે રમાડવામાં આવી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની એક મૈત્રીપૂર્ણ મેચમાં હું સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો. મેં 129 રન બનાવ્યા હતા જ્યારે તેણે (ગંભીરે) 110 રન બનાવ્યા હતા. ત્યારે પણ તે ગુસ્સે થયા હતા. હું સનસ્ક્રીન લગાવી રહ્યો હતો ત્યારે તે અચાનક મારી પાસે આવ્યા અને મારા પર ચિલ્લાવવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે તું અહીંયાં શું કરે છે? બાકીના બધા મેદાન પર છે.
ઇડન ગાર્ડન્સમાં થઇ હતી રકઝક
તેણે કહ્યું કે એક વખત ઈડન ગાર્ડન ખાતે મારી બેટિંગ પોઝિશનને લઇને ઉગ્ર ચર્ચા થઇ હતી. હું પરેશાન હતો અને વોશરૂમમાં ગયો હતો. તે અંદર આવી ગયા અને બોલ્યા કે આ પ્રકારનું વલણ ચાલશે નહીં. હું તમને રમવા દઈશ નહીં. મને આવા શબ્દો ક્યારેય ગમ્યા નથી. તે મને ધમકી આપી રહ્યા હતા. વસીમ અકરમ આવ્યા હતા. તે અમારા બોલિંગ કોચ હતા. તેમણે મામલો થાળે પાડ્યો. તેનણે કહ્યું તમે શાંત થાઓ, તે કેપ્ટન છે. તે સમજી ગયો કે તેઓ જાણતા હતા કે શું થઈ રહ્યું છે. તેનણે થોડા વર્ષો પહેલા મારી પ્રતિભા વિશે સરસ વાતો કહી હતી.