Monank Patel MI New York Win: ગુજરાતી ક્રિકેટર મોનાંક પટેલ ફરી એકવાર છવાયો છે. મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેલિફોર્નિયાના ઓકલેન્ડ કોલિઝિયમ ખાતે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ ન્યૂયોર્ક અને સિએટલ ઓર્કાસ વચ્ચેની મેચ મુંબઈ ઇન્ડિયન્સ ન્યૂયોર્કે સાત વિકેટથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતાં સિએટલ ઓર્કાસે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. કાયલ મેયર્સે 88 અને શાયન જહાંગીરે 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સિએટલ ઓર્કાસ તરફથી જીત માટે અપાયેલા 201 રનના લક્ષ્યનો પીછો કરતાં મુંબઈ ઇન્ડિયન્સે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 203 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી હતી. મૂળ ગુજરાતના આણંદના વતની એવા મોનાંક પટેલ આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. મોનંક પટેલે 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મિશેલ બ્રેસવેલે પણ ધૂંઆધાર બેટિંગ કરતાં 50 રન બનાવ્યા હતા.
મોનાંક પટેલ (Monank Patel) કોણ છે?
મોનાંકપટેલ મુંબઈ ઇન્ડિયન્સ ન્યૂયોર્ક ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. મોનાંક પટેલ મૂળ ગુજરાતનો વતની છે. તેનો જન્મ 1 મે, 1993 ના રોજ ગુજરાતના આણંદ ખાતે થયો હતો. તે ગુજરાત તરફથી અંડર-16 સ્તરે સ્થાનિક ક્રિકેટ રમ્યો હતો. ત્યારબાદ 2010 માં તેને યૂએસએ ગ્રીન કાર્ડ મળ્યું અને 2016 માં તે કાયમી ધોરણે યુનાઇટેડ સ્ટેટ્સ સ્થાયી થયો. તેના પિતાનું નામ દિલીપભાઇ પટેલ છે.
MI ન્યૂયોર્ક vs સિએટલ ઓર્કાસ મેચ હાઇલાઇટ્સ
સિએટલ ઓર્કાસ – 200 રન/5 વિકેટ, 20 ઓવર
સિએટલ ઓર્કાસ તરફથી રમતાં સૌથી વધુ રન કાયલ મેયર્સ 46 બોલમાં 88 રન બનાવ્યા હતા. શાયન જહાંગીર એ 34 બોલમાં 43 રન અને હેનરિક ક્લાસન 11 બોલમાં 27 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. નિર્ધારિત 20 ઓવરમાં ટીમનો સ્કોર 5 વિકેટ પર 200 રન થયો હતો. એમઆઇ ન્યૂયોર્ક તરફથી બોલિંગ કરતાં નવીન ઉલ હકે 4 ઓવરમાં 64 રન આપી 2 વિકેટ ઝડપી હતી. માઈકલ બ્રેસવેલે 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ જ્યારે સન્ની પટેલે 3 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ ન્યૂયોર્ક – 203 રન/3 વિકેટ, 19.3 ઓવર
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી બેટિંગ કરતાં કેપ્ટન મોનાંક પટેલ છવાયો હતો. તેણે 50 બોલમાં 93 રન બનાવ્યા હતા. જ્યારે માઈકલ બ્રેસવેલ 35 બોલમાં 50 રન બનાવી અને કિરોન પોલાર્ડ 10 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યા હતા. સિએટલ ઓર્કાસ તરફથી બોલિંગ કરતાં સિકંદર રઝાએ 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે કાયલ મેયર્સે 4 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ ઝડપી હતી. જ્યારે કેમેરોન ગેનને 3 ઓવરમાં 13 રન આપ્યા હતા.
વિરાટ કોહલી કે શુભમન ગિલ કોણ ચડિયાતું? જાણો
અહીં નોધનિય છે કે, મેજર લીગ ક્રિકેટ એ યુનાઇટેડ સ્ટેટ્સની ટી20 ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ છે. જે અમેરિકન એન્ટરપ્રાઇઝ દ્વારા રમાડવામાં આવે છે. જે 6 ટીમો વચ્ચે રમાય છે. ગત વર્ષથી શરુ થયેલી આ લીગમાં પ્રથમ સિઝનમાં વોશિંગ્ટન ફ્રીડમ ચેમ્પિયન બની હતી.