T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં ગુરુવારે મોટો અપસેટ સર્જાયો હતો. અમેરિકાએ પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. મેચ ટાઇ પડતા સુપર ઓવરમાં અમેરિકાનો વિજય થયો હતો. અમેરિકાની જીતમાં ગુજરાતમાં જન્મેલા મોનાંક પટેલ અને મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરનો મહત્વનો ફાળો રહ્યો હતો.
1 જાન્યુઆરી 2019થી અન્ય તમામ સહયોગી રાષ્ટ્રોની સાથે ઔપચારિક T20I દરજ્જો પ્રાપ્ત કર્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સની પુરૂષ ક્રિકેટ ટીમે 30 મેચ રમી છે અને તેમાંથી 19 જીતી છે. પાકિસ્તાનના આ પરાજય તેને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે અનિશ્ચિતતાની સ્થિતિમાં મૂક્યું છે.બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ્સ અત્યારે બે જીત સાથે આ ગ્રુપમાં ટોચ પર છે. પાકિસ્તાન સામે જીતમાં મહત્વનો ફાળો આપનાર બે ભારતીયોને અહીં વાત કરી રહ્યા છીએ.
મોનાંક પટેલ
ગુજરાતના આણંદમાં જન્મેલા મોનાંક પટેલે યુ.એસ.એ.નું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોયું હતું. તે અંડર-16 અને અંડર 18માં ગુજરાત તરફથી રમ્યો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યા પછી તેને 2010માં કાર્ડ મળ્યું હતું અને અમેરિકા સ્થાયી થયો અને અમેરિકા તરફથી ક્રિકેટ રમવા લાગ્યો હતો.
31 વર્ષીય યુવાને છેલ્લા ત્રણ વર્ષમાં ટીમના કેપ્ટન તરીકે ઉભરતા પહેલા 2018થી સતત વન-ડે અને T20I માં વિવિધ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં યુએસનું પ્રતિનિધિત્વ કર્યું છે. મોનાંકે જોસ બટલર અને ક્વિન્ટન ડી કોક જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની જેમ વિકેટ કીપર, કેપ્ટન તરીકેની વિશિષ્ટતા મેળવી છે.
આ પણ વાંચો – આઉટ થયા પછી પ્રશંસકોની કોમેન્ટ પર ભડક્યો પાકિસ્તાન ક્રિકેટર આઝમ ખાન, જુઓ VIDEO
મોનાંકે ગુરુવારે પાકિસ્તાન સામે આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેણે 38 બોલમાં સાત ફોર અને એક સિક્સર સાથે 50 રન ફટકાર્યા હતા અને મેચને લક્ષ્યાંક સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સૌરભ નેત્રાવલકર
મુંબઈમાં જન્મેલા ડાબોડી ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરે 2010ના અંડર 19 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. જોકે 14 વર્ષ પહેલા બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને સૌરભ તે ટીમનો ભાગ હતો. આવી સ્થિતિમાં સૌરભે 14 વર્ષ બાદ પોતાનો બદલો પૂર્ણ કર્યો છે. સૌરભે 2008-09માં કૂચ બિહાર ટ્રોફીમાં 6 મેચમાં 30 વિકેટ લઈને સ્થાનિક સર્કિટમાં હેડલાઈન્સ બનાવી હતી.
સૌરભ નેત્રાવલકર દક્ષિણ આફ્રિકામાં અંડર-19 ત્રિકોણીય ટૂર્નામેન્ટમાં આઠ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. પરંતુ પ્રતિભાથી ભરપૂર દેશમાં નેત્રાવલકરને વધારે તકો મળી ન હતી. આવી સ્થિતિમાં સૌરભ અમેરિકા શિફ્ટ થયો અને અમેરિકા તરફથી રમવા લાગ્યો.
પાકિસ્તાન સામે સૌરભે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. આ પછી સુપર ઓવરમાં પણ શાનદાર બોલિંગ કરીને અમેરિકાને જીત અપાવી હતી.