MS Dhoni 43rd Birthday : પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈ 2024ના રોજ 43 વર્ષનો થઇ ગયો છે. ધોની હંમેશા પોતાનો જન્મદિવસ નજીકના મિત્રો અને પરિવાર સાથે ઉજવે છે. જોકે આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસ પર બોલીવૂડનો ભાઇજાન સલમાન ખાન જોવા મળ્યો હતો. સલમાન ખાન ઉપરાંત ધોનીની પત્ની સાક્ષી ધોની પણ હાજર રહી હતી.
એમએસ ધોનીએ સલમાન ખાન સાથે ઉજવ્યો જન્મદિવસ
ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં ધોની કેક કાપતો જોવા મળ્યો હતો. તેની સામે ત્રણ-ચાર કેક મૂકવામાં આવી હતી. અભિનેતા સલમાન ખાન તેની બાજુમાં ઉભો હતો. તો બીજી તરફ ધોનીની પત્ની સાક્ષી ધોની જોવા મળી હતી. કેક કાપ્યા બાદ ધોનીએ પહેલા સાક્ષીને કેક ખવડાવી હતી અને પછી સલમાન ખાનને કેક આપી હતી. સલમાન ખાને ધોની સાથેની આ કેક કટિંગની તસવીર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે હેપ્પી બર્થ ડે કેપ્ટન સાહેબ.
સાક્ષીએ ધોનીના પગે લાગી આશીર્વાદ લીધા
સાક્ષીએ મહેન્દ્ર સિંહ ધોનીને કેક ખવડાવી હતી. આ પછી સાક્ષી ધોનીને પગે લાગી હતી અને આશીર્વાદ લીધા હતા. ધોનીએ પણ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન આસપાસ ઊભેલા લોકોનો હસવાનો અવાજ સંભળાતો હતો.
સુરેશ રૈનાએ પણ અભિનંદન પાઠવ્યા
ધોનીના નજીકના મિત્ર સુરેશ રૈનાએ પણ ધોનીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાના પરિવાર અને ધોનીના પરિવારની તસવીર શેર કરી છે. બંને ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં જોવા મળ્યા હતા. રૈનાને હંમેશા ધોનીની સૌથી નજીક માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાથી લઇને આઇપીએલ સુધી બંને હંમેશા જોવા મળતા હતા. તેણે કેપ્શનમાં લખ્યું છે કે હેપ્પી બર્થ ડે, માહી ભાઇ. હું ઇચ્છું છું કે તમારો દિવસ તમારા હેલિકોપ્ટર શોટ અને સ્ટમ્પિંગ જેટલો જ અદભૂત બને. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આ પણ વાંચો – WTC અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે, જય શાહની જાહેરાત
ધોની હાલ મુંબઈમાં છે
ધોની હાલ મુંબઇમાં છે. તે દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે. જન્મદિવસના એક દિવસ પહેલા ધોની અને સાક્ષીએ અનંત અને રાધિકાના સંગીતમાં પણ હાજરી આપી હતી. બંને એકદમ સ્ટાઈલિશ લાગી રહ્યા હતા.





