MS Dhoni : ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજકાલ ચર્ચામાં છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેને રિટેન કરશે કે નહીં, તે આગામી સિઝનમાં રમશે કે નહીં, ચાહકોને આવા અનેક સવાલોના જવાબ જોઈએ છે, આ દરમિયાન ધોનીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આઇપીએલ દરમિયાન મેદાન પર ઉતરતા પહેલા ધોની રાજકારણના મેદાન પર દેખાશે. આ ચૂંટણીઓ માટે ધોનીને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
ધોની ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. ઝારખંડની ચૂંટણીમાં લોકોને મતદાન કરવાની અપીલ કરવા માટે ચૂંટણી પંચ ધોનીની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેમણે ધોનીને આ માટે અપીલ કરી હતી, જેને માહીએ સ્વીકારી લીધી છે.
મહેન્દ્રસિંહ ધોની વોટ કરવાની અપીલ કરશે
આ માહિતી આપતા ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિ કુમારે કહ્યું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો અને વીડિયોનો ઉપયોગ કરીને SVEEP કાર્યક્રમ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જો ધોની મતદારોને ચૂંટણીમાં વધુ સક્રિયપણે ભાગ લેવાની અપીલ કરશે તો તેની અસર મતદાનની ટકાવારી પર પડશે. ધોની સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતો જોવા મળશે.
આ પણ વાંચો – ધોનીના રિટેન્શનને લઇને CSK ના સીઇઓ કાશી વિશ્વનાથને આપી તાજા અપડેટ, ચોંકાવનાર છે ન્યૂઝ
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે યોજાશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે.





