Get-Together at Dhoni’s Ranchi Residence : ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ માટે રાંચી પહોંચી ગઈ છે. આ મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. ભારતીય ટીમ રાંચીમાં હોય અને મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે ન જાય તેવું બને નહીં. અહીં જ્યારે પણ મેચ હોય છે ત્યારે ભારતીય ટીમ ધોનીના ઘરે ચોક્કસ પહોંચે છે. દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝની પ્રથમ મેચ પહેલા પણ આ જોવા મળ્યું હતું.
વિરાટ કોહલી, ઋષભ પંત અને ઋતુરાજ ગાયકવાડ સહિતના કેટલાક ખેલાડીઓ ગુરુવારે મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે પહોંચ્યા હતા. કોહલી, પંત અને ગાયકવાડનો ધોનીના ઘરે પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડિનર પાર્ટી પછી ધોનીએ પોતે કાર ચલાવીને કોહલીને ટીમ હોટલમાં છોડવા માટે પહોંચ્યો હતો.
કોહલી અને ધોનીની બોન્ડિંગ
કોહલી અને ધોની વચ્ચેના સંબંધો કેવા છે તે કહેવાની જરુર નથી. ધોનીની કેપ્ટન્સી હેઠળ વિરાટને મોટા ખેલાડી તરીકે ઉભરી આવવાની તક મળી હતી. ત્યારબાદ તે તેનો ઉત્તરાધિકારી પણ બન્યો હતો. ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કેપ્ટન બદલાય છે, ત્યારે ભારે હોબાળો મચી જાય છે, પરંતુ ધોની બાદ વિરાટ કેપ્ટન બન્યો ત્યારે એવું બન્યું નથી.
ધોનીએ પોતે ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી છોડીને વિરાટની કેપ્ટન્સી હેઠળ રમ્યો હતો. કેપ્ટન્સી છોડ્યા બાદ ધોનીએ વિરાટને માર્ગદર્શન આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ધોનીનું કોહલીને હોટલ છોડવા માટે જવું એ દર્શાવે છે કે આજે પણ બંનેનું બોન્ડિંગ શાનદાર છે.
પંત ટીમ સાથે પહોંચ્યો હતો
ધોનીને પોતાનો મેન્ટર માનતો પંત સાથી ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)નો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ જાતે ડ્રાઇવ કરીને ધોનીના ઘરે પહોંચ્યા હતા. શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં કેએલ રાહુલ વન-ડે ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે. ટેસ્ટ શ્રેણી 0-2થી હાર્યા બાદ ભારતીય ટીમ વન-ડે શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા માંગશે.
આ પણ વાંચો – વિમેન્સ પ્રીમિયર લીગ 2026 હરાજી : આ 9 ખેલાડી બની કરોડપતિ, સૌથી મોંઘા પ્લેયર્સનું લિસ્ટ
રોહિત અને વિરાટ લાંબા સમય બાદ ઘરઆંગણે રમતા જોવા મળશે
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘરઆંગણે ભારત માટે ફેબ્રુઆરી 2025 પછી પ્રથમ વખત રમતા જોવા મળશે. બંને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં રમ્યા હતા. કોહલી અને રોહિત ટીમ પહેલા જ રાંચી પહોંચી ગયા હતા. ભારતીય ટીમ ગુરુવારે (27 નવેમ્બર) રાંચી પહોંચી હતી. બંને ખેલાડીઓ 26 નવેમ્બરે પહોંચ્યા હતા.





