MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ 2026માં પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવા આગળ વધશે, પરંતુ આઇસીસીની આ મહત્વની ટૂર્નામેન્ટ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે, જે અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઇન્ડિયાના મેન્ટર બનવા માટે સંપર્ક કર્યો છે.
મેન્ટર બનાવવા માટે ધોનીનો સંપર્ક કરવામાં આવ્યો
ક્રિકબ્લોગરના એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના એક સૂત્રએ આ વાતની પુષ્ટિ કરી છે કે ધોનીનો મેન્ટર બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. સૂત્રએ કહ્યું કે ધોનીને ફરી એક વખત ભારતીય ક્રિકેટનું નેતૃત્વ કરવાની ઓફર કરવામાં આવી છે. બોર્ડ માને છે કે તેની વ્યુહાત્મક વિચારસરણી, સંયમિત નેતૃત્વ ક્ષમતા અને હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટ્સ જીતવાનો અનુભવ ટીમને વધુ એક વર્લ્ડ કપ ટાઈટલ માટે તૈયાર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
જોકે અંદરના સૂત્રોનું માનવું છે કે ગૌતમ ગંભીર ટીમના મુખ્ય કોચ હોવાને કારણે ધોની આ ઓફર સ્વીકારવામાં ખચકાટ અનુભવી શકે છે. ગંભીર અને ધોની ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે આદર ધરાવે છે, પરંતુ તેમના રમવાના દિવસોથી જ તેમનામાં વૈચારિક મતભેદો રહ્યા છે.
આ પણ વાંચો – વાત સંજુ સેમસનના ટ્રેડ થવાની થઇ રહી હતી પણ રાજસ્થાન રોયલ્સમાંથી કોચ રાહુલ દ્રવિડે અલવિદા કહ્યું
ધોનીએ 2021 માં મેન્ટર તરીકે સેવા આપી હતી
પૂર્વ ભારતીય કેપ્ટને 2021 માં યુએઈમાં ટી -20 વર્લ્ડ કપ દરમિયાન મેન્ટર તરીકે સેવા આપી હતી, જેમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ટીમના કેપ્ટન અને કોચ હતા. જોકે ટીમ ઇન્ડિયા 2021ના ટી-20 વર્લ્ડ કપના નોકઆઉટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું, પણ એક મેન્ટર તરીકે ધોનીને ઘણા ખેલાડીઓએ પ્રશંસા કરી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી હાર્યું હતું અને વર્લ્ડ કપમાં તેમની સામે ભારતનો આ પ્રથમ પરાજય હતો.