MS Dhoni : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. પ્રશંસકો તરફથી તેને જે પ્રેમ મળ્યો છે તે બહુ ઓછા ક્રિકેટરોને મળ્યો છે. નિવૃત્તિના ચાર વર્ષ બાદ પણ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. પ્રશંસકો તેની એક ઝલક માટે આતુર હોય છે. આનું મોટું કારણ એ છે કે ધોની સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં હોવાનું કારણ ખુદ એમએસ ધોનીએ જણાવ્યું છે.
ધોનીના સોશિયલ મીડિયા ફોલોઅર્સ
ધોની 2014થી ઇન્સ્ટાગ્રામ પર છે. તેની પહેલી પોસ્ટ આ વર્ષની છે. તેણે 10 વર્ષમાં માત્ર 11 પોસ્ટ કરી છે. છેલ્લાં ચાર વર્ષમાં તેણે માત્ર પાંચ જ પોસ્ટ કરી છે. આમ છતાં સોશિયલ મીડિયા પર તેના 49.3 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય એક્સ (ટ્વિટર) પર તેણે 2021 પછી કોઇ પોસ્ટ કરી નથી. જોકે અહીં પણ તેના 8.6 મિલિયન ફોલોઅર્સ છે.
ધોની સોશિયલ મીડિયા પર કેમ એક્ટિવ નથી
એમએસ ધોનીએ યુરોગ્રિપ ટ્રેડ ટોક સાથેની વાતચીતમાં કહ્યું કે હું સોશિયલ મીડિયાનો બહુ મોટો ચાહક નથી. મારી કારકિર્દીમાં મારા ઘણા મેનેજરો હતા. તે બધા મને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે દબાણ કરતા રહ્યા. 2004માં જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર આવ્યું હતું, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ આવ્યું હતું. બધા મેનેજરોએ મને કહ્યું કે તમારે થોડો પીઆર કરવો પડશે. આ કરો, તે કરો. મેં બધાને એક જ વાત કરી હતી કે જો તમે સારું ક્રિકેટ રમો છો તો તમારે પીઆરની જરુર નથી. એટલા માટે જ તેણે સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું હતું.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમનો 2025નો કાર્યક્રમ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિત આ ટૂર્નામેન્ટમાં રમશે ટીમ ઇન્ડિયા
ધોની માને છે કે સોશિયલ મીડિયાથી અંતર રાખવાથી તેના જીવનમાં તણાવ ઓછો થયો છે. તેણે કહ્યું કે મારે શું પોસ્ટ કરવું જોઈએ? શું જરૂરી છે અને શું નહીં? આ એક પડકાર બની જાય છે. જો કોઇ મહત્વપૂર્ણ વાત હોય તો તે શેર કરત. હું એ નથી વિચારતો કે કોના કેટલા ફોલોઅર્સ છે અથવા કોણ શું કરી રહ્યું છે. હું જાણું છું કે જો હું ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીશ તો બાકીનું બધું જ ઠીક થઇ જશે.





