ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 13 વર્ષ બાદ નવો ઈતિહાસ રચાયો છે. લીગ મેચના બધા મુકાબલા પૂર્વે હજુ સાત મેચ બાકી છે ત્યારે પ્લેઓફ માટે ચાર ટીમ નક્કી થઇ ગઇ છે. બુધવારે મુંબઈએ દિલ્હીને હરાવી ચોથી ટીમ તરીકે પ્લેઓફ માટે પોતાનું સ્થાન નક્કી કર્યું છે. આ પૂર્વે આરસીબી, ગુજરાત અને પંજાબ પહેલેથી જ પોતાનું સ્થાન નક્કી કરી બેઠા હતા.
આઈપીએલ 2025 માં બુધવારે 21 મેના રોજ નવો કિર્તીમાન સ્થાપિત થયો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ એ ચોથી ટીમ તરીકે પ્લેઓફ માટે પોતાનું નામ નોંધાવી દીધું. આ સાથે આઈપીએલ 2025 પ્લેઓફ માટે ચાર ટીમ નક્કી થઇ ગઇ છે. હજુ તો 7 લીગ મેચ રમવાની પણ બાકી છે. આઈપીએલ ઇતિહાસમાં આવું 13 વર્ષ બાદ થયું છે. સમગ્ર આઈપીએલમાં અત્યાર સુધી આવું માત્ર ત્રણ વખત જ બન્યું છે.
આ પહેલા 2011 સિઝનમાં આવું થયું હતું. 70 લીગ મેચની એ સિઝનમાં 67મી મેચ બાદ પ્લેઓફ માટેની ચારેય ટીમ નક્કી થઇ હતી. પરંતુ 2025 માં તો આ રેકોર્ડ લીગ મેચના 7 મુકાબલા બાકી છે ત્યારે આવું થયું છે. આવો અહીં જાણીએ કે આઈપીએલ સિઝનમાં ક્યારે કેટલી મેચ બાદ પ્લેઓફ ટીમ નક્કી થઇ ગઇ હતી. મુંબઈએ દિલ્હીને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
IPL પ્લેઓફ ચાર ટીમ ક્યારે નક્કી થઇ?
IPL 2008: 54 મી મેચમાં પ્લેઓફ ચાર ટીમ નક્કી થઇ, 2 મેચ બાકી હતી
IPL 2009: 56 લીગ મેચની ટુર્નામેન્ટમાં છેલ્લી મેચમાં પ્લેઓફ ટીમો નક્કી થઇ
IPL 2010: છેલ્લી 56મી મેચમાં પ્લેઓફ ટીમો નક્કી થઇ
IPL 2011: 70 લીગ મેચમાં 3 મેચ બાકી હતી ત્યારે 67 મી મેચમાં
IPL 2012: છેલ્લી 72મી મેચમાં પ્લેઓફ ટીમો નક્કી થઇ
IPL 2013: એક મેચ પૂર્વે 71મી મેચમાં પ્લેઓફ ટીમો નક્કી થઇ
IPL 2014: છેલ્લી 56મી મેચમાં
IPL 2015: છેલ્લી 56મી મેચમાં
IPL 2016: છેલ્લી 56મી મેચમાં
IPL 2017: એક મેચ પૂર્વે 55મી મેચમાં
IPL 2018: છેલ્લી 56મી મેચમાં
IPL 2019: છેલ્લી 56 મી મેચમાં
IPL 2020: 55મી મેચમાં એક મેચ બાકી હતી
IPL 2021: 69મી મેચમાં એક મેચ બાકી
IPL 2022: છેલ્લી 70મી મેચમાં
IPL 2023: 2 મેચ પૂર્વે 68મી મેચમાં
IPL 2024: 2 મેચ પૂર્વે 68મી મેચમાં
IPL 2025: 63મી મેચમાં 7 મેચ પૂર્વે
IPL 2025 ભારે રોમાંચક
આઈપીએલ 2025 ઘણી રીતે ખાસ છે. આ સિઝનમાં 7 મેચ પૂર્વે જ 63 મી મેચમાં પ્લે ઓફ માટેની ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. જે દર્શાવે છે કે આ સિઝન શરુઆતથી જ એક તરફી રહી છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર ચર્ચામાં રહી. શરુઆતની લીગ મેચમાં ખરાબ દેખાવ બાદ પછી એક પછી એક મેચ પોતાને નામ કરતી રહી અને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલી મેચમાં જોરદાર પ્રદર્શન કરી સૌને ચોંકાવ્યા હતા જોકે બાદમાં નબળી પડી.





