Jeet Raval : ન્યૂઝીલેન્ડના બેટ્સમેન જીત રાવલે મંગળવારે ફર્સ્ટ ક્લાસ મેચમાં મેરેથોન ઈનિંગ રમીને સદી ફટકારી હતી. જોકે આમ છતાં સૌથી ધીમી સદીનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો નથી. જીત રાવલ નોર્ધન ડિસ્ટ્રિક્ટ તરફથી રમી રહ્યો હતો. તેણે પ્લન્કેટ્ટમાં સેન્ટ્રલ સ્ટેગ્સ સામે તેણે સદી ફટકારી હતી. આ સદી માટે તેણે 366 બોલનો સામનો કર્યો હતો અને 9 કલાકની મેરેથોન બેટિંગ કરી હતી. આમ છતાં સૌથી ધીમી સદીનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો નથી.
જીત રાવલે ક્રિઝ પર 589 મિનિટ વિતાવી હતી
મેચના બીજા દિવસે જીત રાવલ બેટિંગ કરવા ઉતર્યો હતો. જ્યારે તે મેદાનમાં આવ્યો ત્યારે તેની ટીમે 45 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મંગળવારે સવારે તેની સદી પૂરી થઈ હતી. તે ચોથા દિવસ સુધી બેટિંગ કરતો રહ્યો. કુલ મળીને તેણે ક્રીઝ પર 589 મિનિટ વિતાવી હતી. આ દરમિયાન તેણે 396 બોલમાં 107 રન બનાવ્યા હતા. તેની ઈનિંગને કારણે ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી.
પાકિસ્તાની ખેલાડીના નામે છે રેકોર્ડ
ફર્સ્ટ ક્લાસમાં સૌથી ધીમી સદીનો રેકોર્ડ પાકિસ્તાનના મુદસ્સર નઝરના નામે છે. આ ખેલાડીએ 557 મિનિટ રમીને સદી ફટકારી હતી. જીત રાવલે તેના કરતા સાત મિનિટ (551 મિનિટ)ઓછો સમય લઈને પોતાની સદી પૂરી કરી હતી. ભારતમાં આ રેકોર્ડ સદાગોપ્પન રમેશના નામ પર છે. તમિલનાડુના આ ખેલાડીએ 2001માં 556 મિનિટ બેટિંગ કરતા સદી ફટકારી હતી.
આ પણ વાંચો – ધોનીએ અમિતાભ બચ્ચન અને શાહરુખને રાખ્યા પાછળ, નિવૃત્તિના 5 વર્ષ પછી બનાવી રહ્યો છે રેકોર્ડ
જીત રાવલ 2016-2020 વચ્ચે 24 ટેસ્ટ રમ્યો હતો, જેમાં તેણે સદી સાથે 1000થી વધુ રન ફટકાર્યા હતા. તેની તાજેતરની સદી તેની પ્રથમ કક્ષાની કારકિર્દીની 22મી સદી છે. જેમાં તેણે 9700થી વધુ રન ફટકાર્યા હતા.
સૌથી ધીમી ફર્સ્ટ ક્લાસ સદી
- 557 મિનિટ – મુદસ્સર નઝર (પાકિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ), 1977
- 556 મિનિટ – સદાગોપ્પન રમેશ (તમિલનાડુ વિ. કેરળ), 2001
- 551 મિનિટ – જીત રાવલ (નોર્ધન ડિસ્ટ્રિક્ટ વિ. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ), 2024
- 550 મિનિટ – પ્રશાંત મહાપાત્રા (ઓરિસ્સા વિરુદ્ધ બંગાળ), 1995
જીત રાવલ મૂળ ગુજરાતનો
જીત રાવલ મૂળ ગુજરાતનો છે. તેનો જન્મ અમદાવાદમાં થયો હતો. તે ગુજરાત તરફથી અંડર-15 અને અંડર-17 ટીમમાં રમી ચૂક્યો છે. જોકે ત્યાર બાદ તે ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો અને તેણે અંડર-19 કેટેગરીમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તે ન્યૂઝીલેન્ડ માટે 24 ટેસ્ટ મેચ રમ્યો છે.