/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/ICC-ODI-World-Cup-2023.jpg)
ICC ODI Cricket World Cup 2023 (Photo Source-ICC)
World Cup 2023: ક્રિકેટ રસિયાઓ માટે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઇ રહ્યા છે. વન ડે વર્લ્ડ કપ 2023 શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. બે મહિના સુધી ચાલનારા આ વિશ્વ કપ ભારતમાં રમાવાનો છે અને એમાંય ભારત પાકિસ્તાનની મેચ અમદાવાદ ખાતે ફાળવવામાં આવી છે જેને લઇને ક્રિકેટ ફેન્સ ગેલમાં આવી ગયા છે. વર્લ્ડ કપ 2023 માટે ભારત હોટ ફેવરિટ માનવામાં આવે છે પરંતુ કોણ બાજી મારશે એ તો સમય જ બતાવશે. પરંતુ અમે અહીં આપને 1975થી લઇને અત્યાર સુધીના વર્લ્ડ કપમાં કોણ ચેમ્પિયન બન્યું એની તમામ વિગત જણાવી રહ્યા છીએ.
પ્રથમ વન ડે વર્લ્ડ કપ 1975
પ્રથમ વન ડે વર્લ્ડ કપ 1975 માં ઇંગ્લેન્ડમાં આયોજિત કરાયો હતો. આ વિશ્વ કપમાં એક ઇનિંગમાં 50 નહીં પરંતુ 60 ઓવર હતી. પરંતુ 1987 બાદ એક ઇનિંગ 50 ઓવરની કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટઇન્ડિઝની 17 રને જીત થઇ હતી.
આ પણ વાંચો - વર્લ્ડ કપ 2023 સમગ્ર કાર્યક્રમ જાણો
બીજો વર્લ્ડ કપ વેસ્ટઇન્ડિઝ જીત્યું
વન ડે વર્લ્ડ કપના પ્રારંભ વેસ્ટ ઇન્ડિઝનો જાણે દબદબો હતો. ફાસ્ટ બોલર અને તગડા બેટ્સમેનને લીધે વેસ્ટ ઇન્ડિઝ ટીમનો વિશ્વમાં ડંકો વાગતો હતો. પ્રથમ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ વર્ષ 1979 માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ બીજા વર્લ્ડ કપમાં પણ વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે યજમાન ઇંગ્લેન્ડને એની ધરતી પર જ માત આપી 92 રનથી જીત મેળવી હતી.
ભારતે વેસ્ટ ઇન્ડિઝની હેટ્રિક રોકી
ઇંગ્લેન્ડનું મેદાન અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાણે જીતની બાજીગર બની હતી. પરંતુ કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝની વિજયી હેટ્રિક રોકી દીધી અને 1983 ત્રીજો વર્લ્ડ કપ જીતી વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો હતો. એ સમયે ભારતની ટીમને જાણે કોઇ ગંભીરતાથી લેતું પણ ન હતું એવા સમયે કપિલ દેવ અને ટીમે વિશ્વમાં ભારતને ઉંચાઇ પર પહોંચાડ્યું હતું. ભારતે બે વખતના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને 43 રનથી હરાવ્યું હતું.
| વર્ષ | ક્યાં રમાયો | ચેમ્પિયન | રનર અપ | પરિણામ |
| 1975 | ઇંગ્લેન્ડ | વેેસ્ટ ઇન્ડિઝ | ઓસ્ટ્રેલિયા | વેસ્ટઇન્ડિઝ 17 રનથી જીત્યું |
| 1979 | ઇંગ્લેન્ડ | વેસ્ટઇન્ડિઝ | ઇંગ્લેન્ડ | વેસ્ટ ઇન્ડિઝ 92 રનથી જીત્યું |
| 1983 | ઇંગ્લેન્ડ | ભારત | વેસ્ટ ઇન્ડિઝ | ભારત 43 રનથી જીત્યું |
| 1987 | ભારત અને પાકિસ્તન | ઓસ્ટ્રેલિયા | ઇંગ્લેન્ડ | ઓસ્ટ્રેલિયા 7 રનથી જીત્યું |
| 1992 | ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ | પાકિસ્તાન | ઇંગ્લેન્ડ | પાકિસ્તાન 22 રનથી જીત્યું |
| 1996 | પાકિસ્તાન અને ભારત | શ્રીલંકા | ઓસ્ટ્રેલિયા | શ્રીલંકા 7 વિકેટથી જીત્યું |
| 1999 | ઇંગ્લેન્ડ | ઓસ્ટ્રેલિયા | પાકિસ્તાન | ઓસ્ટ્રેલિયા 8 વિકેટથી જીત્યું |
| 2003 | દક્ષિણ આફ્રિકા | ઓસ્ટ્રેલિયા | ભારત | ઓસ્ટ્રેલિયા 125 રનથી જીત્યું |
| 2007 | વેસ્ટ ઇન્ડિઝ | ઓસ્ટ્રેલિયા | શ્રીલંકા | ઓસ્ટ્રેલિયા 53 રનથી જીત્યું |
| 2011 | ભારત અને બાંગ્લાદેશ | ભારત | શ્રીલંકા | ભારત 6 વિકેટથી જીત્યું |
| 2015 | ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ | ઓસ્ટ્રેલિયા | ન્યૂઝીલેન્ડ | ઓસ્ટ્રેલિયા 7 વિકેટથી જીત્યું |
| 2019 | ઇંગ્લેન્ડ અને વેલ્સ | ઇંગ્લેન્ડ | ન્યૂઝીલેન્ડ | સુપર ઓવર ટાઇ બાદ બાઉન્ડરીને આધારે ઇંગ્લેન્ડ જીત્યું |
ભારત બીજી વાર 2011 ચેમ્પિય બન્યું
વન ડે વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી બે વખત જ ચેમ્પિયન બન્યું છે. 1983 માં કપિલદેવ કેપ્ટન હતા ત્યારે અને વર્ષ 2011 માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ભારત અને બાંગ્લાદેશમાં રમાયેલા વર્ષ 2011 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી ભારત વિશ્વ વિજેતા બન્યું હતું. એ પછી ભારત ચેમ્પિયન નથી બની શક્યું કે નથી ફાઇનલમાં પણ પહોંચી શક્યું નછી. જોકે વર્ષ 2003 વર્લ્ડ કપમાં ભારત ફાઇનલમાં આવ્યું હતું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 125 રનથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - અમદાવાદ ખાતે રમાશે પાંચ મેચ
| ટીમ | જીત | વિશ્વ કપ વર્ષ |
| ઓસ્ટ્રેલિયા | 5 | 1987, 1999, 2003, 2007, 2015 |
| વેસ્ટઇન્ડિઝ | 2 | 1975, 1979 |
| ભારત | 2 | 1983, 2011 |
| ઇંગ્લેન્ડ | 1 | 2019 |
| પાકિસ્તાન | 1 | 1992 |
| શ્રીલંકા | 1 | 1996 |
ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન
વર્ષ 1975 થી શરૂ થયેલ વન ડે વર્લ્ડ કપનું અત્યાર સુધી 12 વખત આયોજન થયું છે. જેમાં ઓસ્ટ્રેલિયા જીતનો બાદબાહ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 1987, 1999, 2003, 2007 અને 2015 મળી કુલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે ભારત (1983, 2011) અને વેસ્ટ ઇન્ડિઝ (1975, 1979) બંને બબ્બે વખત ચેમ્પિયન રહ્યા છે. ઇંગ્લેન્ડ (2019), પાકિસતાન (1992) અને શ્રીલંકા (1996) માં વિશ્વ ચેમ્પિયન બન્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us