World Cup 2023 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) વનડે વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇપ્રોફાઇલ મેચ ઉપરાંત અન્ય 8 મેચોની તારીખો પણ બદલાઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હવે એક દિવસ પહેલા 14 ઓક્ટોબરને શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા આ મુકાબલો 15 ઓક્ટોબરને રવિવારના રોજ રમાવાનો હતો.
ઈંગ્લેન્ડની અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં રમાનારી મેચ હવે શનિવાર 14 ઓક્ટોબરને બદલે રવિવારે 15 ઓક્ટોબરે રમાશે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે હૈદરાબાદમાં 12 ઓક્ટોબરે રમાનારી મેચ હવે મંગળવારે 10 ઓક્ટોબરે રમાશે. લખનઉમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 13મી ઓક્ટોબરે રમાનારી મેચ હવે 24 કલાક પહેલા 12 ઓક્ટોબર, 2023ના રોજ રમાશે.
બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચનો કાર્યક્રમ બદલાયો
આવી જ રીતે ન્યૂઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની મેચ 14મી ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાવાની હતી, પણ હવે તે એક દિવસ પહેલા શેડ્યુલ કરવામાં આવી છે. હવે આ મેચ શુક્રવાર 13 ઓક્ટોબર 2023ના રોજ રમાશે. ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કાના કાર્યક્રમમાં જ એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાનાર મુકાબલો હવે ડે-નાઈટ મેચને બદલે દિવસે રમાશે. હવે આ મેચ સવારે 10:30 (સ્થાનિક સમય પ્રમાણે) થી શરુ થશે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપમાં 7 ભારતીય લગાવી ચુક્યા છે 2 કે તેથી વધારે સદી, બધા રહ્યા છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન
12 નવેમ્બરે ભારતની મેચ
લીગ તબક્કાના અંતે 12 નવેમ્બર (રવિવાર)ના રોજ ડબલ હેડર મેચોના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રમાનારી મેચને એક દિવસ પહેલા 11 નવેમ્બર (શનિવાર) કરી દેવામાં આવી છે. પૂણેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ (સવારે 10:30) અને કોલકાતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન (બપોરે 02:00 કલાકે) મેચ રમાશે. ભારતની નેધરલેન્ડ સામેની આખરી લીગ મેચ હવે તારીખ 11 નવેમ્બરને બદલે 12 નવેમ્બરે બેંગલુરુમાં ડે-નાઈટ મુકાબલો રમાશે.
વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો
8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી14 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. શ્રીલંકા, મુંબઈ5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા12 નવેમ્બર, ભારત વિ. નેધરલેન્ડ, બેંગ્લુરુ





