ODI World Cup 2023 : આઈસીસી મેન્સ વન-ડે વર્લ્ડકપ- 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે. સૌ પ્રથમ આ ટૂર્નામેન્ટ 1975માં પ્રથમ વખત યોજાઇ હતી. ત્યારે વન-ડે મેચ 60-60 ઓવરની રમાતી હતી. પ્રથમ મેચ યજમાન ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ઐતિહાસિક લોર્ડ્ઝ સ્ટેડિયમમાં રમાઈ હતી. 7 જૂન, 1975ના રોજ રમાયેલી આ મેચ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરની ધીમી ઇનિંગ્સ માટે જાણીતી છે. ગાવસ્કરે આ મેચમાં એટલી ધીમી બેટિંગ કરી હતી કે ટીમ મેનેજરે તેની જાહેરમાં ટીકા કરી હતી અને તેની ઈનિંગને શરમજનક અને સ્વાર્થી પ્રદર્શન ગણાવ્યું હતું.
60 ઓવરના અંત પછી ભારતની 7 વિકેટ બાકી હતી અને તેમનો 202 રનથી પરાજય થયો હતો. ગાવસ્કરની ધીમી ઈનિંગ્સનું એક કારણ કેપ્ટન પ્રત્યે નારાજગી પણ હોવાનું કહેવાય છે. 1975માં રમાયેલા વર્લ્ડ કપના ફોર્મેટની વાત કરીએ તો 4 દેશોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ભારત સામેની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 60 ઓવરમાં 4 વિકેટે 334 રન બનાવ્યા હતા. ત્યારે વન ડે ક્રિકેટમાં આ સૌથી વધારે સ્કોર હતો. ડેનિસ એમિસે 137 રન બનાવ્યા હતા. કેથ ફ્લેચરે 68 રન બનાવ્યા હતા. ક્રિસ ઓલ્ડે 30 બોલમાં 50 રન બનાવ્યા હતા.
ગાવસ્કરના 174 બોલમાં અણનમ 36 રન
ભારત માટે 335 રનનો ટાર્ગેટ હાંસલ કરવો અશક્ય હતો. દરેક જણ જોવા માંગતા હતા કે ભારત કેટલો સ્કોર કરશે. ભારત તરફથી ઈનિંગ્સની શરૂઆત કરનાર સુનીલ ગાવસ્કરે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. માત્ર દર્શકો જ નહીં, ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં પણ નિરાશા જોવા મળી હતી. ગાવસ્કર મેચના અંત સુધી નોટઆઉટ રહ્યા હતા પરંતુ તેમણે 174 બોલમાં માત્ર 36 રન જ બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયા 60 ઓવરમાં 3 વિકેટે 132 રન જ બનાવી શકી હતી. ટીમનો 202 રનથી પરાજય થયો હતો.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ
મેનેજર સુનીલ ગાવસ્કરની ઘણી ટીકા કરી હતી
મેચ બાદ ટીમ ઈન્ડિયાના મેનેજર જીએસ રામચંદે સુનીલ ગાવસ્કરની ઘણી ટીકા કરી હતી. ગાવસ્કરનું માનવું હતું કે ઇંગ્લેન્ડે જે સ્કોર કર્યો હતો તેને ચેઝ કરવો શક્યો ન હતો અને તેથી જ તે પ્રેક્ટિસ મેચની જેમ રમી રહ્યો હતો. તે એક બહાનું હતું જેના પર વિશ્વાસ કરી શકાય નહીં. મને તેમની રણનીતિ યોગ્ય ન લાગી.
મેચના બે દિવસ બાદ રામચંદે ડેલી એક્સપ્રેસને કહ્યું હતું કે મેં આવું શરમજનક અને સ્વાર્થી પ્રદર્શન ક્યારેય નથી જોયું. તેણે કહ્યું કે વિકેટ શોટ રમવા માટે ખૂબ ધીમી હતી પરંતુ ઇંગ્લેન્ડે 334 રન બનાવ્યા પછી આવું કહેવું મૂર્ખતાભર્યું હતું.
શું સુનીલ ગાવસ્કર કેપ્ટન પર ગુસ્સે થયા હતા?
સુનીલ ગાવસ્કરની ઈનિંગ્સ બાદ એવી વાતો વહેતી થઈ હતી કે તેઓ ટીમ સિલેક્શનથી નાખુશ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીનિવાસ વેંકટરાઘવનને કેપ્ટન બનાવવામાં આવતા ગાવસ્કર નારાજ હતા. ગાવસ્કરે તેની ઇનિંગ્સ અંગે શું ખુલાસો કર્યો હતો? તે સમયે તે જાહેરમાં કશું બોલ્યા ન હતા. જોકે વર્ષો બાદ તેમણે સ્વીકાર્યું હતુ કે આ તેના જીવનની સૌથી ખરાબ ઈનિંગ્સ હતી અને દાવો કર્યો હતો કે તે ફોર્મમાં ન હતા.
સુનીલ ગાવસ્કરે શું કહ્યું હતું
સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે આ એક એવી વસ્તુ છે જે હું હજી પણ સમજાવી શકતો નથી. શરૂઆતની કેટલીક ઓવરમાં હું ક્રોસ બેટમાંથી સ્લોગ્સ રમ્યો જે હું ફરી ક્યારેય જોવા નહીં માગું. હું નોન-ક્રિકેટિંગ શોટ્સ રમવાથી નાખુશ હતો. તે પછી હું અસ્વસ્થ હતો. આ માનસિક પીડાથી છૂટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો હતો કે સ્ટમ્પ્સથી હટી જાઉ અને બોલ્ડ થઇ જાઉં. હું ઈનિંગ્સની ઝડપ વધારી શક્યો ન હતો અને આઉટ પણ થઈ શક્યો ન હતો. ગાવસ્કરે એવો પણ દાવો કર્યો હતો કે તે ઈનિંગ્સના બીજા જ બોલ પર વિકેટની પાછળ કેચ આઉટ થયો હતો. તે વિચારે છે કે કાશ ત્યારે પેવેલિયન પાછો ફરી ગયો હોત તો.
ગાવસ્કરના સાથી ખેલાડીઓએ શું કહ્યું
ગાવસ્કરના સાથી કરસન ઘાવરીએ કહ્યું હતું કે સુનીલને લાગ્યું કે આ લક્ષ્યાંકનો પીછો કરવો મુશ્કેલ અને અશક્ય છે. તેને મેસેજ મોકલવામાં આવી રહ્યા હતા પરંતુ તે માત્ર પોતાની રમત પર ધ્યાન આપી રહ્યા હતા. આ મેસેજથી તેમને કોઈ ફરક પડ્યો ન હતો. 46 બોલમાં 22 રન બનાવનારા અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે તે જે રીતે બેટિંગ કરી રહ્યા હતા તેનાથી અમને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. તે શું કરી રહ્યા હતા તે કહેવું મુશ્કેલ હતું. હું જ્યારે ક્રિઝ પર હતો ત્યારે અમે ટીમની વ્યુહરચના કે તેમની કે મારી રણનીતિ પર ચર્ચા કરી ન હતી. હું તેમને કંઈપણ કહેવા માટે ખૂબ જ જુનિયર હતો. હું મારી જાતને સાબિત કરવા વિશે વિચારી રહ્યો હતો. ગાયકવાડે કહ્યું કે ગાવસ્કર જ્યારે ડ્રેસિંગરુમમાં પાછા ફર્યા ત્યારે કોઇ એક શબ્દ પણ બોલ્યું ન હતું.





