ODI World Cup 2023: આઈસીસી વન-ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં રમાશે. વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેશે. જેમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત 8 ટીમો રેન્કિંગ પ્રમાણે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી ચુકી છે. હજુ બે ટીમોએ ક્વોલિફાય કરવાનું બાકી છે.
આ 6 ટીમોમાંથી બે ટીમ ક્વોલિફાય થશે
હાલ ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપના ક્વોલિફાયર મુકાબલા રમાઇ રહ્યા છે. જેમાં છ ટીમો રમી રહી છે. આ છ ટીમોમાંથી ટોચના સ્થાને રહેનારી બે ટીમો વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરશે. આ છ ટીમોમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, એક વખતની વર્લ્ડ વિજેતા શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ અને ઓમાનનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઇન્ડીઝ પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝ હાલ વર્લ્ડ કપના ક્વોલિફાય ટૂર્નામેન્ટમાં રમી રહી છે. વેસ્ટ ઇન્ડીઝને ટીમે સુપર-6માં સ્થાન મેળવી લીધું છે. જોકે ગ્રુપ રાઉન્ડમાં તેનો ગ્રુપ-એ માં ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ સામે પરાજય થયો હતો. જેથી તે શૂન્ય પોઇન્ટ સાથે સુપર-6માં પહોંચી છે. બીજી તરફ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા બન્ને 4-4 પોઇન્ટ સાથે ટોપ-2માં છે. સ્કોટલેન્ડ 2 પોઇન્ટ સાથે ત્રીજા અને નેધરલેન્ડ્સ 2 પોઇ્ટ સાથે ચોથા નંબરે છે. વેસ્ટ ઇન્ડીઝ હાલ પાંચમાં સ્થાને છે.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ
સુપર સિક્સમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. હાલ શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પ્રબળ દાવેદાર જણાઇ રહ્યા છે. સુપર સિક્સમાં દરેક ટીમ 3 મેચ રમશે. વેસ્ટ ઇન્ડીઝે ક્વોલિફાય કરવા માટે ત્રણેય મેચમાં જીત મેળવવી પડશે. આ સિવાય ઝિમ્બાબ્વે સુપર-6ની બધી મેચો હારી જાય અને ઓમાન 2 મેચમાં જીતી જાય, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ એક મેચ જીતે ત્યારે વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકે છે. બીજી સ્થિતિ એ છે કે શ્રીલંકા પોતાની ત્રણેય મેચ હારી જાય. જો આમ નહીં થાય તો પ્રથમ વખત વેસ્ટ ઇન્ડીઝની ટીમ વગર વર્લ્ડ કપ રમાશે.