Pakistan vs Bangladesh 2nd Test : બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમા વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. રાવલપિંડીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે 6 વિકેટે વિજય મેળવી ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. પાકિસ્તાનના હોમગ્રાઉન્ડની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાનનો વ્હાઇટવોશ કર્યો છે.
પાકિસ્તાન બીજી ઇનિંગ્સમાં 172 રનમાં ઓલઆઉટ થતા બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો પડકાર મળ્યો હતો. જે બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. બાંગ્લાદેશ તરફથી ઝાકીર હસને સૌથી વધારે 40 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનને પ્રથમ દાવમાં 12 રનની લીડ મળી હતી
બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાને સૈમ અયુબ, શાન મસૂદ અને આગા સલમાનની અડધી સદીની ઇનિંગમાં પ્રથમ ઇનિંગમાં 274 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના પ્રથમ દાવમાં 274 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમે લિટ્ટન દાસના 138 રન અને મેહેંદી હસન મિરાઝના 78 રનની મદદથી 262 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને પ્રથમ દાવમાં 12 રનની લીડ મળી હતી.
WTC Points Table : બાંગ્લાદેશ ઉપર, પાકિસ્તાન નીચે
WTC પોઇન્ટ ટેબલ પર 74 પોઇન્ટ સાથે ભારત ટોચના સ્થાને છે. જોકે બાંગ્લાદેશ કમાલ કરી રહ્યું છે.પાકિસ્તાનને એની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં હરાવી બાંગ્લાદેશ ઇતિહાસ રચી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં બાંગ્લાદેશ 33 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર આવ્યું છે. જ્યારે પાકિસ્તાન 16 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે. આ સિઝનમાં બાંગ્લાદેશ છ મેચ રમ્યું છે જેમાં ત્રણ મેચ જીત્યું છે. જ્યારે પાકિસ્તાન 7 મેચ પૈકી માત્ર 2 જીત્યું છે અને 5 મેચ હાર્યું છે.
આ પણ વાંચો – યુવીના પિતા યોગરાજ સિંહનો ફરી એમએસ ધોની પ્રહાર, કહ્યું – ધોનીએ યુવરાજ સિંહની લાઇફ બર્બાદ કરી દીધી
બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશના બોલરોએ પાકિસ્તાન પર સંપૂર્ણપણે પ્રભુત્વ જમાવ્યું હતુ અને શાન મસુદની ટીમ 172 રનમાં સમેટાઈ જતાં યજમાન ટીમને 184 રનનો પડકાર મળ્યો હતો. બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમણે પાકિસ્તાનની તમામ 10 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી આગા સલમાને 47 અને મોહમ્મદ રિઝવાને 43 રન બનાવ્યા હતા.
બીજી ઇનિંગ્સમાં બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 5, નાહિદ રાણાએ 4 જ્યારે તસ્કીન અહમદે એક વિકેટ લીધી હતી.





