Asia Cup 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તનાવને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની તમામ ઈવેન્ટ્સથી હાલ પૂરતો દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ ના જણાવ્યા અનુસાર બીસીસીઆઈએ એસીસીને જાણકારી આપી છે કે તે આવતા મહિને શ્રીલંકામાં યોજાનારા મહિલા ઈમર્જિંગ ટીમ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં યોજાનારા પુરુષ એશિયા કપમાંથી ખસી રહી છે. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થઈ શકે છે.
એસીસીનું નેતૃત્વ હાલમાં પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવી કરી રહ્યા છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ પણ છે. સૂત્રોનું માનીએ તો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટને અલગ-થલગ કરવાની રણનીતિનો ભાગ છે.
એક બીસીસીઆઈના સૂત્રએ કહ્યું કે ભારતીય ટીમ એવી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે નહીં જેની યજમાની એસીસી દ્વારા કરવામાં આવી રહી છે અને જેના પ્રમુખ એક પાકિસ્તાની મંત્રી હોય. આ દેશની ભાવના છે. અમે એસીસીને મૌખિક રુપથી મહિલા ઈમર્જિંગ ટીમને એશિયા કપમાંથી હટવાની જાણ કરી દીધી છે અને ભવિષ્યની ઈવેન્ટ્સમાં અમારી ભાગીદારી પણ હાલ પૂરતી હોલ્ડ પર છે. અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.
એશિયા કપનું આયોજન નહીં થાય?
બીસીસીઆઇના આ વલણને કારણે સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારા મેન્સ એશિયા કપ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા પણ હવે તેને સ્થગિત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો – 80 કરોડનો બંગલો, 10 કરોડની ઘડિયાળો, લક્ઝરી કારનો કાફલો, વિરાટ કોહલીનો છે રાજાઓ જેવો ઠાઠ
સૂત્રોએ કહ્યું કે બીસીસીઆઇને ખબર છે કે એશિયા કપનું આયોજન ભારત વિના જ કરવું તે વ્યવહારુ નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ્સના મોટાભાગના સ્પોન્સર્સ ભારતના જ હોય છે. વધુમાં ભારત-પાકિસ્તાનની ટક્કર વિનાનો એશિયા કપ બ્રોડકાસ્ટર્સ માટે લાભદાયક ન રહે, જે આ ટૂર્નામેન્ટની આર્થિક સફળતાનો મોટો ભાગ છે.
2024માં એશિયા કપના બ્રોડકાસ્ટ રાઇટ્સ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (એસપીએનઆઇ) દ્વારા આગામી આઠ વર્ષ માટે 170 મિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં આવ્યા હતા. જો આ વખતે ટૂર્નામેન્ટ નહીં થાય તો આ ડીલ પર ફેરવિચારણા કરવી પડી શકે છે. એસીસીના પાંચ પૂર્ણ સભ્યો – ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન – પ્રસારણની આવકના 15 ટકા હિસ્સો મેળવે છે, જ્યારે બાકીની રકમ સહયોગી અને સંબંદ્ધ સભ્યોમાં વહેંચવામાં આવે છે.
પાકિસ્તાન દરેક મોરચે પાછળ
ગત વર્ષે 2023માં પણ એશિયા કપ ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિથી પ્રભાવિત થયો હતો. પાકિસ્તાન દ્વારા આયોજીત આ ટૂર્નામેન્ટમાં ભારતે બોર્ડર પાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બીસીસીઆઈએ એ સુનિશ્ચિત કર્યું હતું કે ભારત શ્રીલંકામાં પોતાની મેચ રમે. આ ઘટના પીસીબી માટે નિરાશાજનક રહી, કારણ કે પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી શક્યું ન હતું અને કોલંબોમાં રમાયેલી શ્રીલંકા સામેની ટાઇટલ મેચ ભારતે જીતી લીધી હતી.
2024માં પાકિસ્તાન દ્વારા આયોજિત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આ જ સ્થિતિનું પુનરાવર્તન થયું હતું. ભારતે ફરી હાઈબ્રિડ મોડલની માગ કરી હતી અને દુબઈમાં તેની મેચો રમી હતી. ભારતે ફાઈનલમાં પ્રવેશ મેળવીને પાકિસ્તાનને ફાઈનલની યજમાનીની તક ન આપતાં ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વૈશ્વિક સંસ્થા છે. ઉપખંડમાં ક્રિકેટને વિકસાવવા અને વિશ્વ ક્રિકેટમાં એક શક્તિશાળી એશિયન જૂથનું સર્જન કરવા માટે 1983માં એસીસીની સ્થાપના કરવામાં આવી હતી. અગાઉ જય શાહ એસીસીના ચેરમેન હતા પણ ગયા વર્ષે તેઓ આઇસીસીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.