Paralympics 2024 Rubina Francis Bronze Medal : રિકેટ્સના કારણે બાળપણમાં ક્યારેય-ક્યારેક ચાલવા કે ઉભા રહેવામાં સઘર્ષથી લઇને પેરાલિમ્પિક ગેમ્સ 2024માં 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીતવા સુધી રૂબીના ફ્રાન્સિસે ઘણા અવરોધોને પાર કરીને એક લાંબી સફર કાપી છે. 24 વર્ષીય રૂબીના ફ્રાન્સિસ શનિવારે (31 ઓગસ્ટ) પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા પિસ્તોલ શૂટર બની હતી.
રૂબીના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત માટે પાંચમો મેડલ જીતતા સમયે સંતુલન જાળવવામાં મદદ માટે કસ્ટમાઇઝ્ડ શૂઝ પહેર્યા હતા. તેણે ચેટોરોક્સ શૂટિંગ રેન્જમાં ફાઇનલમાં કુલ 211.1 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે ઈરાનની સારેહ જાવનમર્ડીને 236.8 સ્કોર સાથે ગોલ્ડ મેડલ મળ્યો હતો. તુર્કીની આયસેલ ઓજગનેને 231.1 પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
જબલપુરમાં રહેતી રૂબીનાના પિતા સૈમન ફ્રાન્સિસ એક મિકેનિક છે. રૂબીનાએ બ્રોન્ઝ જીત્યા પછી કહ્યું કે આ મારો પહેલો પેરાલિમ્પિક મેડલ છે અને હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. હું ખૂબ જ ઉત્સાહિત છું. આખરે મને આ મેડલ મળ્યો. મને પોડિયમ પર પહોંચવામાં 10 વર્ષ લાગ્યાં. મેડલ જીતવાનું મારું સપનું હતું.
ગગન નારંગથી પ્રેરિત
રુબીનાના પિતા સૈમન ફ્રાન્સિસે જણાવ્યું હતું કે લંડન ઓલિમ્પિકમાં ગગન નારંગને બ્રોન્ઝ મેડલ જીતતા જોયા બાદ રુબીનાની શૂટિંગમાં રસ જાગ્યો હતો. તેમણે કહ્યું કે તે હંમેશાં ખેલાડીઓ, ખાસ કરીને ગગન નારંગથી પ્રેરિત રહી છે. હવે જ્યારે તેણે ઓલિમ્પિક સ્તરે મેડલ જીતવાની તેની આદર્શની સિદ્ધિની બરોબરી કરી લીધી છે ત્યારે તે ખૂબ જ ખુશ હશે.
ઘૂંટણ અને પગમાં હજુ પણ દુખાવો રહે છે
સૈમન ફ્રાન્સિસ યાદ કરે છે કે જ્યારે તે કામ પછી ઘરે પાછો ફરતો હતો, ત્યારે નાની રૂબીના ઘણીવાર ટીવી પર સ્પોર્ટ્સ સ્ટાર્સને જોઈને તેમના વિશે વાત કરતી હતી. રિકેટ્સ એક એવી બીમારી છે જેમાં શિશુઓના હાડકાં નબળાં પડી જાય છે. આવી સ્થિતિમાં રૂબીના માટે અન્ય બાળકોની જેમ રમવું મુશ્કેલ હતું. પરંતુ ટેલિવિઝન પર ગગન નારંગને જોયા બાદ તેને લાગ્યું કે શૂટિંગ એક એવી રમત છે જેને તે ટ્રાય કરી શકે છે. રૂબીનાને હજુ પણ તેના ઘૂંટણ અને પગમાં દુખાવો રહે છે અને તેને નિયમિતપણે ડોક્ટરની મુલાકાત લેવી પડે છે. તે અમને કહે છે કે તેણે પીડા અથવા હાડકાંમાં જકડન વિશે વિચારવાનું બંધ કરી દીધું છે.
આ પણ વાંચો – શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ, હાથથી નહીં પગથી કરે છે તિરંદાજી
2015માં શરૂ થઈ હતી રૂબીનાની શૂટિંગની સફર
રૂબીનાની શૂટિંગની સફર 2015માં શરૂ થઈ હતી. તેણે સેન્ટ એલોસિયસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાં નારંગ ગન્સ ફોર ગ્લોરી સેન્ટર હતો. તેની પસંદગી પિસ્તોલ શૂટિંગ માટે કરવામાં આવી હતી અને કોચ નિશાંત હેઠળ તાલીમ લીધી હતી. બે વર્ષમાં એણે એટલી બધી પ્રતિભા દેખાડી હતી કે એની પસંદગી મધ્ય પ્રદેશ શૂટિંગ એકેડેમી માટે થઇ ગઇ હતી.
ખાસ શૂઝ ખરીદ્યા
મધ્યપ્રદેશ શૂટિંગ એકેડમીના કોચ જય વર્ધન સિંહે કહ્યું કે રૂબીનાના કિસ્સામાં અમારી સૌથી મોટી સમસ્યા એ હતી કે તેના ઘૂંટણ વળેલા હોવાને કારણે તેના શરીરની મૂવમેન્ટ બગડી ગઈ હતી અને પિસ્તોલવાળો હાથ ધ્રૂજવા લાગ્યો હતો. તેથી અમે તેના માટે ખાસ શૂઝ ખરીદ્યા હતા. એકવાર અમે શરીરના મૂવમેન્ટને નિયંત્રિત કરી લીધા પછી અમે તેના કાંડાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેમજ તેમની ટેકનોલોજી મુજબ પિસ્તોલની ગ્રીપને એડજસ્ટ કરી હતી.
ડોમેસ્ટિક સર્કિટમાં શ્રેષ્ઠ પ્રદર્શન
રૂબીના જલદી જ ડોમેસ્ટીક સર્કિટમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતીય પેરા શૂટિંગ ટીમમાં જોડાઈ ગઈ હતી. તે ફ્રાન્સ પેરા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ટોક્યો પેરાલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો. ગત વર્ષે પેરુમાં રમાયેલા પેરા વર્લ્ડ કપમાં આ જ ઈવેન્ટમાં પી5 કેટેગરીમાં સિલ્વર મેડલ અને હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં પી2 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ ભારતીય શૂટર ને વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચવામાં મદદ કરી હતી. આનાથી તેને પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારત માટે ક્વોટા મળ્યો હતો.
કોચ જય વર્ધન સિંહે કહ્યું કે શરૂઆતમાં તે 550-560 સ્કોર કરતી હતી, પરંતુ પછી તેણે ઝડપથી પ્રગતિ કરી અને 575ની આસપાસ સ્કોર કરવાનું શરૂ કર્યું હતું. 2018માં વર્લ્ડ કપ ફાઇનલ અને ટોક્યો પેરાલિમ્પિક ફાઇનલમાં તેની ઉપસ્થિતિએ તેને અનુભવ મેળવવા અને ફાઇનલમાં કેવા પ્રકારના દબાણનો સામનો કરવો પડે છે તે સમજવામાં મદદ મળી હતી.
રૂબીના આવકવેરા વિભાગમાં કામ કરે છે
રૂબીના હવે મુંબઇમાં આવકવેરા અધિકારી તરીકે તૈનાત છે. તેણે પોતાની પિસ્તોલ પણ ખરીદી હતી. તેની પ્રથમ પિસ્તોલ સ્ટેયર એલપી 10 હતી અને ત્યારબાદ મોરિની 200 અને મોરિની ટાઇટેનિયમ લીધી હતી. જય વર્ધન સિંહે કહ્યું કે વર્ષો સુધી શેર પિસ્તોલથી શૂટિંગ કર્યા પછી તેણે તેની પિસ્તોલથી સારી રીતે તાલમેલ બેસાડ્યો અને જેટલી વધારે બંદૂક સાથે પ્રેક્ટિસ કરી તેમાં તેને તકનીકમાં સુધારો કરવામાં મદદ મળી હતી.





