Wheelchair Tennis Paralympics 2024 Google Doodle, વ્હીલચેર ટેનિસ પેરાલિમ્પિક્સ 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ચાલી રહ્યો છે. ગુગલ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024ની ઉજવણી એનિમેટેડ ડૂડલ્સની શ્રેણી સાથે પણ કરી રહ્યું છે. તે ઉજવણી કરવા માટે દરરોજ નવા કાર્ટૂન બહાર પાડી રહ્યું છે. 3 સપ્ટેમ્બર 2024 માટે ગુગલે વ્હીલચેર ટેનિસ સાથે સંબંધિત ઇન્ટરેક્ટિવ આર્ટવર્ક પરથી પડદો ઉઠાવ્યો અને વ્હીલચેર ટેનિસ વિશે પોતાનું ડૂડલ બનાવ્યું હતું.
આજના ડૂડલમાં ગુગલ (Google) ના પેરાલિમ્પિક-થીમ આધારિત પક્ષીઓ છે, જે ચાલી રહેલી શ્રેણીમાં જીવંત ભાવ ઉમેરે છે. તમે ડૂડલમાં જોઇ શકો છો કે બે પક્ષી ખેલાડીઓને એકબીજા સામે ટેનિસ શોટ લગાવવાનો પ્રયત્ન કરતા બતાવવામાં આવ્યા છે. તે જ સમયે પૃષ્ઠભૂમિ પેરિસના જાર્ડિન ડુ પેલેસ રોયલ કે જાર્ડિન ડેસ ટ્યૂલેરીજના પ્રાચીન બગીચા જેવી દેખાય છે.
ફ્રાન્સના પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સ 2024 ગેમ્સમાં વ્હીલચેર ટેનિસની ઈવેન્ટ્સ 30 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે, જે 7 સપ્ટેમ્બર સુધી રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમમાં રમાશે. રોલેન્ડ ગેરોસ ક્લે કોર્ટ માટે જાણીતું છે. આ સ્પર્ધામાં પુરુષ, મહિલા અને ક્વાડ કેટેગરીના સિંગલ્સ અને ડબલ્સ મેચનો સમાવેશ થાય છે.
વ્હીલચેર ટેનિસનો આવો છે ઇતિહાસ
વ્હીલચેર ટેનિસ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક બની ગઈ છે. તે ટેનિસના પરંપરાગત એલિમેંટ્સને અનુઠા સંધોધન સાથે મિશ્રિત કરવામાં આવ્યા છે જે તેને દિવ્યાંગ ખેલાડીઓ માટે સુલભ બનાવે છે. આ રમતનો પાયો 1976માં પડ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ એક્રોબેટિક સ્કીયર બ્રેડ પાર્ક્સે વ્હીલચેરમાં બેસીને ટેનિસ રમવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. સ્કીઇંગના અકસ્માત બાદ બ્રાડ પાર્ક્સ લકવાગ્રસ્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો – રુબીના ફ્રાન્સિસ : જે બીમારીના કારણે ધ્રુજવા લાગતા હતા હાથ, તેના પર વિજય મેળવી બ્રોન્ઝ મેળવ્યો
વ્હીલચેર ટેનિસ તેના પરંપરાગત સમકક્ષ જેવું જ છે, કારણ કે ખેલાડીઓ સમાન કોર્ટ, રેકેટ અને ટેનિસ બોલનો ઉપયોગ કરે છે. પ્રાથમિક તફાવત નિયમમાં છે, વ્હીલચેર પ્લેયર્સને બોલ પરત કરતા પહેલા બે બાઉન્સની છૂટ આપવામાં આવે છે, જ્યારે સક્ષમ એથ્લીટ્સ માટે આ નિયમ માત્ર એક જ બાઉન્સનો છે.
વ્હીલચેર ટેનિસનું બાર્સેલોના પેરાલિમ્પિક્સમાં થયું ડેબ્યૂ
વ્હીલચેર ટેનિસને સૌપ્રથમ વખત 1992ની બાર્સેલોના પેરાલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી વ્હીલચેર ટેનિસ સ્પર્ધાઓનો મુખ્ય ભાગ રહી છે. 2007માં ટેનિસની મેજર ટૂર્નામેન્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વ્હીલચેર ટેનિસ મુકાબલાને ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ સહિતની અન્ય પરંપરાગત ટૂર્નામેન્ટ્સમાં સામેલ કરવાની તક મળી હતી.





