Paris 2024 Paralympics Live Streaming Telecast, પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024 લાઇવ ટેલિકાસ્ટ : સમર ઓલિમ્પિક બાદ ફરી એક વખત ફ્રાન્સની રાજધાની પેરિસમાં ખેલાડીઓનો જમાવડો જામશે. પેરા ગેમ્સ માટે દુનિયાભરના પેરા એથ્લિટ્સ અહીં પહોંચશે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન થશે. 22 રમતોમાં 4400 ખેલાડીઓ ભાગ લેશે. કુલ 549 મેડલો દાવ પર રહેશે. જેમાંથી 236 મેડલ મહિલાઓ માટે રહેશે.
ભારત પણ આ વખતે પેરાલિમ્પિકમાં પોતાની સૌથી મોટી ટુકડી મોકલી રહ્યું છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 18 મેડલ જીત્યા હતા અને આ વખતે તે 25 મેડલ જીતવાના ઈરાદા સાથે આ ગેમ્સમાં ભાગ લેશે.
પેરાલિમ્પિક ગેમ્સ 2024 ક્યારે શરૂ થશે?
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન થશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ ગેમ્સનું આયોજન થશે, જ્યાં થોડા સમય પહેલા સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પેરાલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ ક્યારે યોજાશે?
પેરાલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ 28 ઓગસ્ટે પેરિસમાં સીન નદીના કિનારે યોજાશે.
કેટલા ભારતીયો ભાગ લેશે?
આ રમતોમાં ભારતના કુલ 84 ખેલાડીઓ ભાગ લેશે. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી પેરાલિમ્પિક ટુકડી છે. આ પહેલા ટોક્યોમાં ભારતના 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ભારતની કેટલી મહિલા એથ્લેટ્સ ભાગ લેશે?
ભારતીય ટુકડીમાં 32 મહિલા પેરા-એથ્લેટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – પેરિસ પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત 28 ઓગસ્ટથી થશે, જાણો ખાસ ફેક્ટ
ભારત કેટલી રમતોમાં ભાગ લેશે?
પેરાલિમ્પિક્સ ગેમ્સમાં 22 સ્પર્ધાઓ યોજાશે. જેમાં ભારતીય ખેલાડીઓ 12 ગેમ્સમાં ભાગ લેશે.
ભારત કઈ નવી રમતોમાં ભાગ લેશે?
પેરાસાઇક્લિંગ, પેરા રોવિંગ અને બ્લાઇન્ડ જુડોમાં ભારત પહેલીવાર ભાગ લેશે.
પેરાલિમ્પિક રમતોનું લાઇવ પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં કરવામાં આવશે?
પેરાલિમ્પિક ગેમ્સનું લાઇવ પ્રસારણ સ્પોર્ટ્સ 18 ચેનલો પર થશે. આ ગેમ્સને જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.





