Olympics 2024 Day 12 : પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ માટે હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. વિનેશ ફોગાટ પહેલા જ 50 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ તેનું વજન નિર્ધારિત માપદંડ કરતા થોડા ગ્રામ વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વજન ઘટાડ્યું હતું, અગાઉ તે 53 કિગ્રા વર્ગમાં ભાગ લેતી હતી.
વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગયા પછી પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગયા પછી પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ક્યું કે વિનેશ, તમે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુઃખ આપે છે. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. વધારે મજબૂત થઇને પરત આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
વિનેશ ફોગાટ ડિસક્વોલિફાય ઘટના – રમત મંત્રીએ નોંધાવ્યો વિરોધ
લોકસભામાં વિનેશ ફોગાટ પર નિવેદન આપતા ભારતીય રમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પહેલવાન વિનેશ ફોગાટને 100 ગ્રામ અધિક વજનના કારણે 50 કિગ્રા વર્ગમાં અયોગ્ય જાહેર કરી છે. વિનેશ ફોગટની અયોગ્યતા પર ભારતીય ઓલિમ્પિક એસોસિએશને યુનાઈટેડ વર્લ્ડ કુસ્તી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વડાપ્રધાન મોદીએ આઇઓએ પ્રમુખ પીટી ઉષાને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતીય દળને 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાંથી વિનેશ ફોગાટની અયોગ્યતાના સમાચાર શેર કરવા બદલ ખેદ છે. ટીમે આખી રાત ભારે જહેમત ઉઠાવી હતી. આ હોવા છતાં આજે સવારે તેનું વજન 50 કિલોગ્રામ કરતાં થોડા ગ્રામ વધુ હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.