Olympics 2024 Day 13 : પેરિસ ઓલિમ્પિક 2024ના 13મા દિવસે ગુરુવારે (8 ઓગસ્ટ) ભારતને વધુ 2 મેડલ મળ્યો છે. જેવલિન થ્રો માં નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે. જ્યારે હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય ટીમ સ્પેન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતના કુલ 5 મેડલ થયા છે.
નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
જેવલિન થ્રો (ભાલા ફેંક) માં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એક નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે એન્ડ્રીયાસ થોરકિલ્ડસેનનો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રિયસે 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ ચોપરાએ 89.45 મીટરનો થ્રો કરીને સિલ્વર જીત્યો હતો.
સેમિ ફાઇનલમાં અમન સેહરાવતનો પરાજય
પુરૂષોની 57 કિગ્રા વર્ગની સેમિ ફાઇનલમાં અમન સેહરાવતનો જાપાનના રે હિગુચી સામે 0-10થી પરાજય થયો છે. અમન આ મેચમાં પ્રથમ ક્રમાંકિત જાપાની રેસલર સામે કંઈ ખાસ કરી શક્યો ન હતો અને મેચ ત્રણ મિનિટ પણ ચાલી ન હતી. રેઇ હિગુચી ટેકનિકલ સુપીરિયટીના આધારે જીત્યો હતો. હવે અમન સેહરાવત બ્રોન્ઝ મેડલ માટે રમશે. બ્રોન્ઝ મેડલની મેચ 9મી ઓગસ્ટે રમાશે. આ પહેલા અમને ક્વાર્ટર ફાઇનલમાં અમને અલ્બાનિયાના જેલિમખાન અબકારોવને 11-0થી હરાવ્યો હતો.





