Dhinidhi Desinghu In Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતમાંથી 117 રમતવીર ભાગ લઇ રહ્યા છે. પેરિમ ઓલિમ્પિક માટેની ભારતીય ટીમમાં ધિનિધિ દેશિંગુ સૌથી યુવા ખેલાડી છે. માત્ર 14 વર્ષની ઉંમરે તે રમતના સૌથી મોટા મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરશે. ધિનિધિ દેશિંગુને યુનિવર્સલિટી ક્વોટાની મદદથી પેરિસ જવાની તક મળી. એક સમયે પાણીમાં પગ મૂકવાથી પણ ડરનાર ધિનિધિ દેશિંગુ માટે પેરિસ સુધીની સફળ ઘણી મુશ્કેલી ભરી રહી છે.
ધિનિધિ દેશિંગુ – ત્રણ વર્ષની વયે ધીમે ધીમે તરવાનું શરૂ કર્યું
માત્ર ત્રણ વર્ષની ઉંમરે ધિનિધિ દેશિંગુ એ તરવાનું શરૂ કર્યું હતું. ધીનિધિને બોલવામાં તકલીફ પડતી હતી, પરિણામે તેનો આત્મવિશ્વાસ વધતો ન હતો. આ જ કારણ હતું કે પરિવારે તેને રમત સાથે જોડવાનું નક્કી કર્યું. જો કે, ધિનિધિ દેશિંગુ ને શરૂઆતમાં પાણીમાં જવું ગમતું ન હતું.
ધિનિધિ દેશિંગુ પાણીમાં જતા ડરતી હતી
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ધિનિધિ દેશિંગુ કહે છે, મને પાણી બિલકુલ પસંદ નહોતું. હું અંદર જવા માંગતી ન હતી. હું પૂલમાં પગ પણ મૂકતી ન હતી. મને બહુ મુશ્કેલી થઇ રહી હતી. જ્યારે હું બીજા વર્ષે ગઇ ત્યારે પણ મારો ડર દૂર થયો ન હતો. તેમણે ઉમેર્યું કે, ધિનિધિ દેશિંગુના માતાપિતાએ પણ તેને આરામદાયક લાગે તે માટે તરવાનું શીખ્યા. અહીંથી જ ધિનિધિ દેશિંગુની યાત્રા શરૂ થઈ હતી. તમને જણાવી દઇયે કે, પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતમાંથી માત્ર બે જ સ્વિમર ક્વોલિફાય થયા છે, જેમા એક છે 14 વર્ષની ધિનિધિ દેશિંગુ.
ધિનિધિ દેશિંગુ ને ટૂર્નામેન્ટ પહેલા ઉલટી થતી હતી
ધિનિધિ દેશિંગુની અંદરથી પાણીનો ડર દૂર થઈ ગયો પરંતુ ટૂર્નામેન્ટ્સનો ડર દૂર થયો નહીં. તેની માતા જેસિઠા કહે છે, તેમને તેમની પુત્રીની પ્રતિભા પર વિશ્વાસ હતો પરંતુ તે તેના ડરને દૂર કરી શકતી નથી. દરેક ટુર્નામેન્ટ અગાઉ તેને દબાણ લાગતું હતુ, જેના કારણે તેને કાં તો તાવ આવતો હતો કે પછી ઉલટી થતી હતી. દર વખતે આવું જ બનતું હતું.
ધિનિધિ દેશિંગુ નો ડર ત્યારે દૂર થયો જ્યારે તે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે મેંગ્લોર પહોંચી. તેના માતા-પિતા પણ તેની સાથે હતા. બસની મુસાફરીને કારણે આખા પરિવારને રસ્તામાં ઉલટીઓ થઇ ગઇ હતી. ટુર્નામેન્ટમાં પહોંચવા પર ધિનિધિ દેશિંગુ એ કહ્યું કે તે ડરી ગઈ છે અને તે આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. જોકે માતાના આગ્રહને વશ થઈ જ્યારે તે પૂલમાં ગઈ ત્યારે તેનો આત્મવિશ્વાસ વધ્યો અને ત્યાં ધિનિધિ દેશિંગુ એ ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી તેને ફરી ક્યારેય ટુર્નામેન્ટ અગાઉ તાવ કે ઉલટી થઈ નથી.
આ પણ વાંચો | પેરિસ ઓલિમ્પિક્સ 2024 : ડેબ્યૂમાં ધમાલ મચાવવા તૈયાર આ ભારતીય યુવા ખેલાડી, દેશને તેમની પાસેથી છે મેડલની આશા
ધિનિધિ દેશિંગુ નેશનલ ગોલ્ડ વિનર
ધિનિધિ દેશિંગુ એ નેશનલ ગેમ્સમાં સાત ગોલ્ડ મેડલ જીત્યા છે અને આમ કરનાર તે સૌથી નાની ઉંમરની ખેલાડી છે. તેણે 200 મીટરની ફ્રિસ્ટાઈલમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. તે ગયા વર્ષે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભાગ લઈ ચૂકી છે. તે પેરિસ ઓલિમ્પિકમાં 200 મીટર ફ્રિસ્ટાઈલમાં પણ ભાગ લેશે.





