Paris Olympics 2024 India, Day 10 Updates : પેરિસ ઓલિમ્પિક 2024ના 10માં દિવસે ભારત બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન પાસેથી મેડલની આશા હતી. જોકે લક્ષ્ય સેનનો બ્રોન્ઝ મેડલ મેચમાં પરાજય થતા મેડલથી વંચિત રહ્યો છે. ભારતના લક્ષ્ય સેનનો બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયાના લી જિયા જી સામે પરાજય થયો છે. લક્ષ્ય સેન આ મુકાબલો 21-13,16-21,11-21થી હારી ગયો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની સફરનો અંત આવ્યો છે.
ટેબલ ટેનિસ – ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ટેબલ ટેનિસમાં ભારતીય ટીમે રોમાનિયા સામે વિજય મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતની માનિકા બત્રાએ તેની બંને સિંગલ્સ મેચ જીતી હતી. આ સિવાય શ્રીજા અકુલા અને અર્ચના ગિરીશ કામથે ડબલ્સ મેચ જીતી હતી. જોકે તે બંને સિંગલ્સ મેચ હારી ગયા હતા. આમ છતા ભારતે 3-2 થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમમાં શ્રીજા અકુલા, અર્ચના કામથ અને માનિકા બત્રાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – સ્પપ્નિલ કુસાલેને બ્રોન્ઝ મેડલ, શૂટિંગમાં ભારતે રચ્યો ઇતિહાસ, પેરિસમાં મળ્યો ત્રીજો મેડલ
રેસલર નિશા દહિયા ઈજાના કારણે ક્વાર્ટર ફાઇનલમાં હારી
ભારતીય કુસ્તીબાજ નિશા દહિયા ઈજાના કારણે ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા પછી બહાર થઈ ગઈ છે. તે એક સમયે 8-2થી આગળ હતી અને મેચ જીતવાની ખૂબ જ નજીક હતી, પરંતુ ઈજાના કારણે તેને બહાર થવું પડ્યું હતું. મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિગ્રાના ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ઉત્તર કોરિયાની કુસ્તીબાજ પાક સોલ ગમ સામે થયો હતો. જેમાં 8-10થી પરાજય થયો હતો. હાર બાદ નિશા રડવા લાગી, જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
શૂટિંગમાં પણ નિરાશા
શૂટિંગમાં પણ ભારત નિરાશા હાથ લાગી હતી. મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી શક્યા ન હતા. બ્રોન્ઝ મેડલની મેચમાં અનંતજીત-મહેશ્વરીને ચીનના ખેલાડીઓએ હાર આપી હતી. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે.





