Paris Olympics 2024, India Day 2 Updates, પેરિસ ઓલિમ્પિક્સ 2024 બીજો દિવસ : પેરિસ ઓલિમ્પિક 2024માં બીજા દિવસે ભારતના મેડલનું ખાતું ખોલાયું છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે 221.7ના સ્કોર સાથે મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે.
શૂટર મનુ ભાકર 2004 પછી શૂટિંગની કોઈ વ્યક્તિગત ઈવેન્ટની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની હતી. શનિવારે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યા બાદ તેણે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલનો પ્રથમ મેચમાં પરાજય થતા સફરનો અંત આવ્યો છે. શરથનો સ્વોલાકિયાના કુજુલ ડૈની સામે 2-4થી પરાજય થયો હતો. આ શરથનો ચોથો ઓલિમ્પિક છે.
નિખત ઝરીને પેરિસમાં સારી શરૂઆત કરી
ભારતની યુવા બોક્સર નિખત ઝરીને પણ પેરિસ ઓલિમ્પિકમાં સારી શરૂઆત કરી છે. તેણે પોતાની પ્રથમ મેચમાં જર્મનીની મેક્સીને 5-0થી હરાવી હતી. નિખત ઝરીનને ઘણો મુશ્કેલ ડ્રો મળ્યો છે જેથી આ જીત તેના માટે મહત્વની છે.
અર્જુન બબુતા ફાઈનલ માટે ક્વોલિફાઈ
મનુ ભાકર બાદ અર્જુન બબુતાએ પણ ભારતને સારા સમાચાર આપ્યા છે. તે 630.1ના સ્કોર સાથે સાતમા ક્રમે રહ્યો હતો. આ સાથે જ 10 મીટર એર રાઈફલના ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે.
ટેબલ ટેનિસ: શ્રીજા અકુલાની જીત સાથે શરૂઆત
ભારતની યુવા ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલાએ ઓલિમ્પિકમાં સારી શરુઆત કરી છે. તેણે પોતાની પ્રથમ મેચમાં સ્વિડનમાં ક્રિશ્ચિયન કાલબર્ગને 4-0થી પરાજય આપ્યો.
આ પણ વાંચો – પિસ્તોલે ગત વખતે આપ્યો હતો દગો, આ વખતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાણો કોણ છે મનુ ભાકર
શૂટિંગ: ઇલાવેનિલે ફરી તક ગુમાવી
ભારતની ઈલાવેનિલની શરુઆત સારી રહી હતી પણ તે ટોપ 8માં સ્થાન મેળવી શકી નથી. છેલ્લી સિરીઝના 8માં શોટમાં તેણે 9.9નો સ્કોર કર્યો હતો, જેના કારણે તે ટોપ 8માંથી બહાર થઈ ગઈ હતી. આ પહેલા તેણે આખી ગેમમાં શાનદાર લીડ મેળવી હતી.
રમીતા જિંદલ ફાઇનલમાં
10 મીટર એર રાઇફલ મહિલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં રમીતા જિંદલે પાંચમા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. તેણે 631.5નો સ્કોર હાંસલ કર્યો હતો. રમીતાની શરૂઆત ધીમી રહી હતી પરંતુ તેણે ધીરે ધીરે વાપસી કરી હતી અને છેલ્લી શ્રેણી દરમિયાન ટોપ ફાઇવમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
પીવી સિંધુની આસાન જીત
પીવી સિંધુએ ગ્રુપ રાઉન્ડમાં આસાન જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે. પીવી સિંધુએ માલદીવ્સની ફાતિમાથને 21-9, 21-6થી હરાવી હતી.





