Paris Olympics 2024, India’s Day 4 Updates : મંગળવારે 30 જુલાઇના રોજ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. આ મેડલ પણ ભારતને શૂટિંગમાં મળ્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં કોરિયા સામે વિજય મેળવ્યો હતો. ભારતીય જોડીએ કોરિયાની જોડી સામે 16-10થી વિજય મેળવ્યો હતો. શૂટિંગમાં ભારતે ઓલિમ્પિકનો છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.
મનુ ભાકરે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
આ મેડલ સાથે જ મનુ ભાકરે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. હજુ કોઇપણ ભારતીય એક ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતી શક્યું છે. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ પહેલા પીવી સિંધુ અને સુશીલ કુમારે ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. જોકે તેમણે આ સિદ્ધિ અલગ-અલગ ઓલિમ્પિકમાં મેળવી છે. જ્યારે મનુ ભાકરે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે.
સરબજોત સિંહ મેડલ જીતનાર છઠ્ઠો ભારતીય શૂટર
સરબજોત સિંહ હવે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતનો છઠ્ઠો શૂટર બની ગયો છે. તેની જોડીદાર મનુ ભાકર અગાઉ ઓલિમ્પિક મેડલ જીતનારી પાંચમી ભારતીય શૂટર બની હતી. મનુ ભાકર માટે આ ઓલિમ્પિક શાનદાર રહ્યું છે. થોડા દિવસો પહેલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો – પિસ્તોલે ગત વખતે આપ્યો હતો દગો, આ વખતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાણો કોણ છે મનુ ભાકર
મનુ ભાકર પાસે વધુ એક મેડલ જીતવાની તક
મનુ ભાકર પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. તે 1 ઓગસ્ટે મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેશે. આ પહેલા તે આ ઓલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ જીતી ચુકી છે.
હોકી : ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા આયર્લેન્ડને 2-0થી હરાવ્યું છે. ભારત માટે બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. ભારતને નવ પેનલ્ટી કોર્નર મળ્યા જેમાંથી એકને ગોલમાં ફેરવ્યો હતો. જ્યારે આયર્લેન્ડને 10 પેનલ્ટી કોર્નર મળ્યા અને ભારતે તે બધા ડિફેન્ડ કર્યા હતા.





