Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ગુરુવારે (1 ઓગસ્ટ) શૂટિંગમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ 3 પોઝિશન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં પહેલી વખત ભારતે એક જ રમતમાં ત્રણ મેડલ જીત્યા છે. 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં પહેલી વખત કોઈ ભારતીય ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચ્યો હતો અને મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. આ ત્રણેય મેડલ બ્રોન્ઝ છે.
22 વર્ષીય શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ ગેમ્સમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતુ. આ પછી મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટરની મિક્સ ટીમ બ્રોન્ઝ મેડલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
તે ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનાર 7મો ભારતીય બન્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા અગાઉ સ્વપ્નિલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં મેડલથી સહેજમાં ચૂકી ગયો હતો. તે બંનેમાં ચોથા ક્રમે હતો.
ફાઇનલમાં સ્વપ્નિલ કુસાલેનું પ્રદર્શન
જ્યારે 50 મીટર રાઈફલ 3 પોઝિશન ઈવેન્ટની ફાઈનલમાં સ્વપ્નિલ કુસાલે એકસમયે 153.3ના સ્કોર સાથે છઠ્ઠા ક્રમે હતો. પ્રોન સ્ટેજ બાદ તે 310.1ના સ્કોર સાથે પાંચમા ક્રમે હતો. તે સમયે ત્રીજા સ્થાને રહેલા યુક્રેનના સેરી કુલિશ અને કુસાલે વચ્ચેનો તફાવત 0.6નો રહ્યો. પ્રથમ સ્ટેન્ડિંગ શોટમાં સ્પપ્નિલ કુસાલે 51.1ના સ્કોર સાથે ચોથા ક્રમે પહોંચ્યો હતો. તે ત્રીજા સ્થાનથી 0.4 દૂર હતો.
આ પણ વાંચો – ઓલિમ્પિયનની જેમ ફિટનેસ મેળવવા માટે ફોલો કરો ડાયેટના આ નિયમો
સ્વપ્નિલ કુસાલેની કારકિર્દી
સ્વપ્નિલ કુસાલેએ કુવૈતમાં 2015માં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર કેટેગરીમાં 50 મીટર રાઈફલ પ્રોન 3માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 50 મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં ગગન નારંગ અને ચૈન સિંહથી આગળ રહીને તુગલકાબાદમાં યોજાયેલી 59મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. તેણે તિરુવનંતપુરમમાં 61મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીતીને આ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું હતું.
પીવી સિંધૂની સફર ખતમ, ક્વાર્ટર ફાઇનલમાં પરાજય
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુનો ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હે બિંગ જિઓ સામે 21-19, 21-14થી પરાજય થયો હતો. આ સાથે જ મહિલા બેડમિન્ટન વર્ગમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે.
સાત્વિક-ચિરાગનો ક્વાર્ટર ફાઇનલ મેચમાં પરાજય
ભારતના સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીનું મેડલ જીતવાનું સપનું તુટી ગયું છે. ભારતીય જોડીનો કવાર્ટર ફાઇનલ મેચમાં મલેશિયાની જોડી સામે 21-14,14-21,21-16થી પરાજય થયો હતો. સાત્વિક-ચિરાગને મેડલ માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા. જોકે તે બ્રોન્ઝ મેડલ મેચ સુધી પણ પહોંચી શક્યો નથી. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન જોડીએ છેલ્લી ત્રણ મેચમાં મલેશિયાની જોડીને હરાવી હતી પરંતુ ભારતીય જોડી સૌથી મોટા મંચ પર તક ગુમાવી હતી.
નિખત ઝરીન પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ હારી
ભારતને અન્ય રમતોમાં પણ મેડલની આશાને ફટકો પડ્યો છે. બોક્સર નિખત ઝરીન પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ હતી. બીજી તરફ સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં ક્વોલિફાય કરી શકી ન હતી.





