Paris Olympics 2024 India Day 7 Updates : પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આજે સાતમો દિવસ છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ ભારતીય હોકી ટીમે શુક્રવારે ઓસ્ટ્રેલિયાને 3-2 થી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ભારતે ઓલિમ્પિકમાં એસ્ટ્રોટર્ફ પર પહેલી વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. 1976થી ઓલિમ્પિકમાં એસ્ટ્રોટર્ફ પર હોકી રમાતી આવી છે. આ પછી ભારતે પહેલી વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ જીત સાથે જ 52 વર્ષનો દુષ્કાળ ખતમ થઈ ગયો છે. ભારતે આ પહેલા 1972માં ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું.
ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં
પૂલ-બીમાંથી ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. પૂલ-બીમાંથી ભારત ઉપરાંત બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની તેની આખરી પૂલ મેચમાં 3-2થી વિજય મેળવ્યો. ભારતે બીજા ક્વાર્ટરમાં 2-0થી લીડ મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. અભિષેકે 12મી મિનિટે ઓપન પ્લે દ્વારા બે મેચમાં બીજો ગોલ કર્યો હતો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે 13મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો.
આ પણ વાંચો – મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
હરમનપ્રીતે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો
ઓસ્ટ્રેલિયાએ 25મી મિનિટે થોમસ ક્રેગ મારફતે હાફટાઇમે લીડને 1-2થી કરી દીધી હતી. ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીતે સફળ વીડિયો રેફરલ બાદ પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવતા ભારતની લીડ 3-1 થઇ હતી. હરમનપ્રીતની ડ્રેગ-ફ્લિક ફ્લિન ઓગિલ્વીના પગ પર વાગી હતી, પણ રેફરી તે જોવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે રિવ્યુ લેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ક્વાર્ટરમાં જોરદાર લડત આપી હતી. બ્લેક ગોવર્સે પેનલ્ટી સ્ટ્રોકથી સ્કોર 3-2થી કર્યો હતો. પરંતુ ભારતે નિશ્ચિત જીત સાથે ગ્રૂપ સ્ટેજમાં પોતાના અભિયાનનો અંત આણ્યો છે.
લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો, સેમિ ફાઇનલમાં પહોંચ્યો
બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો છે. લક્ષ્ય મેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. લક્ષ્યે ચીની તાઈપેના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો. લક્ષ્ય આ ઈવેન્ટની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મેન્સ પ્લેયર બન્યો છે. લક્ષ્ય પહેલી ગેમ હારી ગયો પરંતુ બીજી ગેમમાં તેણે વાપસી કરી હતી. આ પછી નિર્ણાયક ગેમ જીતી લીધી અને સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું હતું. આ સાથે જ તેણે એક મેડલ નિશ્ચિત કરી લીધો છે.
ભારતીય તીરંદાજીની જોડીએ ઐતિહાસિક મેડલની તક ગુમાવી
ધીરજ બોમ્બાદેવરા અને અંકિતાની ભારતીય તીરંદાજી જોડીએ ઇતિહાસ રચવાની તક ગુમાવી છે. ભારતીય જોડીનો અમેરિકા સામે બ્રોન્ઝ મેડલ મેચમાં 6-2થી પરાજય થયો છે. ભારતે ત્રણ સેટની શરૂઆત 7, 7 અને 8ના શોટથી કરી હતી અને તેમને આનું પરિણામ ભોગવવું પડ્યું હતું. ભારતે અત્યાર સુધી તીરંદાજીમાં કોઈ મેડલ જીત્યો નથી અને આ ઇન્તજાર હજુ પણ યથાવત્ છે.
તુલિકા માનનો પરાજય
ભારતની તુલિકા માનને પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડયો. તે 78+ કિગ્રામાં રાઉન્ડ ઓફ 32માં ઉતરી હતી. તેનો ક્યુબાની ઈડાલેસ ઓર્ટિઝ સામે 10-0થી પરાજય થયો હતો. જો ઓર્ટિઝ ફાઈનલમાં પ્રવેશે તો તુલિકાને રેપેચેજ રાઉન્ડ રમવાની તક મળશે.





