Paris Olympics 2024 : થોડા વર્ષો પહેલા સુધી એવું કહેવાતું હતું કે ભારતીય હોકી હવે ગુમનામીના રસ્તા પર છે. ભારત ક્યારેય હોકીમાં ગુમાવેલું પોતાનું સન્માન પાછું મેળવી શકશે નહીં. જોકે છેલ્લા બે ઓલિમ્પિકમાં આ વિચાર બદલાઈ ગયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં મનપ્રીત સિંહની અને પેરિસમાં હરમનપ્રીત સિંહની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ટોક્યોમાં યાત્રા બ્રોન્ઝ પર સમાપ્ત થઈ હતી પરંતુ આ વખતે નજર ગોલ્ડ પર છે. ભારતને ગોલ્ડ જીતાડવા તે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જે 2011ની વનડે વર્લ્ડ કપ જીતનો મહત્વનો ભાગ હતા.
પેડી અપ્ટન 2011 વર્લ્ડ કપની જીતનો ભાગ હતા
અમે અહીં પેડી અપ્ટનની વાત કરી રહ્યા છીએ. તે જ પેડી અપ્ટન જે 2011માં ભારતીય ક્રિકેટ ટીમના મેન્ટલ સ્ટ્રેંથનિંગ કોચ હતા. તેમણે ટીમને માનસિક રીતે ઘણી મજબૂત બનાવી હતી. આ જ કારણ હતુ કે 2011ના વર્લ્ડ કપમાં ભારત કોઈ પણ પ્રકારના દબાણની સ્થિતિમાં વિખેરાઇ ગયું ન હતું. તેમણે ટીમની વિચારસરણી બદલવા માટે ઘણી રીતો અપનાવી હતી અને હવે તે હોકી ટીમ માટે તેનો ઉપયોગ કરી રહ્યો છે.
આ પણ વાંચો – પેરિસ ઓલિમ્પિક 2024 લાઇવ : ટેબલ ટેનિસ – ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ઓલિમ્પિક્સમાં ભારતની માનસિક મજબૂતી જોવા મળી
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફરમાં પણ આ જ દેખાય છે. ભારતીય ટીમ જે પ્રકારે ગ્રુપ રાઉન્ડમાં ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જીયમ અને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, તેમાં તેમની માનસિક મજબૂતી જોવા મળી હતી. બ્રિટન સામેની નિર્ણાયક ક્વાર્ટર ફાઈનલમાં ભારતની માનસિક તાકાતની કસોટી થઈ હતી. ભારતને 43 મિનિટ સુધી 10 ખેલાડીઓ સાથે રમવાનું હતું. ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હવે વાપસી શક્ય નથી. એસ્ટ્રો ટર્ફ પર 10 વિરુદ્ધ 11 ની જીત અપાવવા માટે પર્પાપ્ત નથી.
પેડી અપ્ટને સંભાળી કમાન
જો કે ટીમ ઇન્ડિયાએ જે કર્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું હતું. બીજા હાફ પહેલા પેડી અપ્ટન ટીમ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમણે પોતાના ખેલાડીઓને આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાની સૂચના આપી હતી. તેની અસર પણ જોવા મળી હતી. ભારતીય ટીમે પુરી રીતે ડિફેન્સિવ રમત રમી હતી. તેઓએ કાઉન્ટર અટેક કરવા સિવાય બીજો કોઈ એટેક કર્યો ન હતો.





