Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024ની રવિવારે (11 ઓગસ્ટ) ક્લોઝિંગ સેરેમની યોજાશે. આ સાથે જ પેરિસ ઓલિમ્પિકની પૂર્ણાહૂતિ થશે. પેરિસમાંથી ભારતીય દળ ગોલ્ડ મેડલ વગર પરત ફરશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને કુલ 6 મેડલ મળ્યા છે. જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
ભારતે અત્યાર સુધીમાં માત્ર બે જ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા છે
ભારતે અત્યાર સુધીમાં માત્ર બે જ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા છે. રાઇફલ શૂટર અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ક્લબમાં કોઈ નવી એન્ટ્રી થઇ નથી.
નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
પેરિસ ઓલિમ્પિકમાં ઘણા ખેલાડીઓને ગોલ્ડના દાવેદાર માનવામાં આવતા હતા. જોકે આ કામ કોઈ પૂરું કરી શક્યું ન હતું. ગોલ્ડનો સૌથી મોટો દાવેદાર જેવલિન થ્રો એથ્લીટ નીરજ ચોપડા હતો. જોકે તેને આ વખતે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. ભારતની રેસલર વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. જોકે તે ફાઈનલ મેચ રમી શકી ન હતી. નિર્ધારિત કેટેગરી કરતા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
હોકીમાં પણ પ્રતીક્ષા પૂરી નથી
ભારતીય હોકી ટીમ જે ફોર્મ સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી તે જોતા લાગતું હતું કે 44 વર્ષ બાદ દેશને હોકીમાં ગોલ્ડ મેડલ મળશે. ટીમે ગ્રુપ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં તેણે 10 ખેલાડીઓ સાથે રમતી વખતે બ્રિટનને હરાવ્યું હતું. આ જ કારણ હતું કે તેને ગોલ્ડનુ દાવેદાર પણ માનવામાં આવતું હતું. જોકે ટીમ સેમિ ફાઈનલ મેચ હારી ગઈ હતી અને ગોલ્ડ પણ મેળવી શકી ન હતી. હોકીમાં બ્રોન્ઝ મળ્યો હતો.
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. બીજો મેડલ પણ મનુ ભાકરે જીત્યો હતો. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી રેસલિંગમાં અમન સેહરાવતને બ્રોન્ઝ મળ્યો હતો.